
શેરબજારમાં ગુરુવારે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ (Lumino Industries) ના શેરનું મજબૂત લિસ્ટિંગ જોવા મળ્યું હતું અને શરૂઆત બાદ પણ શેરમાં તેજી જળવાઈ રહી હતી. NSE પર ₹110 ના ભાવે લિસ્ટ થયા બાદ શેર ₹117.6 ની ઇન્ટ્રા-ડે હાઈ સપાટી સુધી પહોંચી ગયો હતો. આ રીતે શેરનો ભાવ તેની ₹82 ની IPO પ્રાઈસથી આશરે 43 ટકા ઉપર પહોંચી ગયો હતો. હાલમાં શેર ₹111 ના સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે શાનદાર લિસ્ટિંગ બાદ પણ સ્ટોકમાં ખરીદીનો સારો સપોર્ટ મળી રહ્યો છે.
લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝના શેર NSE પર ₹110 અને BSE પર ₹109 ના ભાવે લિસ્ટ થયા હતા. કંપનીનો IPO પ્રાઇસ બેન્ડ ₹78 થી ₹82 પ્રતિ શેર હતો. આમ, અપર પ્રાઇસ બેન્ડ (₹82) ની સરખામણીએ NSE પર શેર લગભગ 34 ટકાના પ્રીમિયમ સાથે માર્કેટમાં એન્ટ્રી કરી હતી.
લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટમાં આ શેર આશરે ₹38 ના પ્રીમિયમ (GMP) પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેના આધારે આશરે 46 ટકા લિસ્ટિંગ ગેઈન મળવાનો સંકેત હતો. જોકે લિસ્ટિંગ અનુમાન કરતાં સહેજ ઓછું (34 ટકા) થયું હતું, પરંતુ લિસ્ટિંગ બાદ તરત જ શેરમાં આવેલી નવી તેજીએ રોકાણકારોની આશાઓ પૂર્ણ કરી હતી.
લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો ₹700 કરોડનો IPO 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને તે કુલ 118.12 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ખાસ કરીને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં ભારે ડિમાન્ડ જોવા મળી હતી.
IPO ખુલતાં પહેલાં કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી ₹207 કરોડ એકત્ર કર્યા હતા, જેના હેઠળ 30 સંસ્થાકીય રોકાણકારોને 2.52 કરોડ ઇક્વિટી શેર ફાળવાયા હતા. તેમાંથી 1.8 કરોડ શેર સ્થાનિક 7 મ્યુચ્યુઅલ ફંડ્સની 22 સ્કીમ્સને ફાળવવામાં આવ્યા હતા. આ IPO માં ₹500 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને ₹200 કરોડનો ઓફર ફોર સેલ (OFS) સામેલ હતો.
કંપની ફ્રેશ ઈશ્યુ દ્વારા મળેલી ₹500 કરોડની રકમમાંથી અંદાજે ₹337 કરોડનો ઉપયોગ હાલના દેવાની ચુકવણી અથવા પ્રી-પેમેન્ટ માટે કરશે. આ ઉપરાંત અંદાજે ₹15.01 કરોડ મૂડી ખર્ચ (Capex) પાછળ વાપરવામાં આવશે, જેમાં હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં નવા ઇક્વિપમેન્ટ્સ-મશીનરીની ખરીદી અને સિવિલ કામકાજ સામેલ છે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી કંપની છે, જેનું મુખ્ય ફોકસ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર પર છે.