
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ટ્રેન ટિકિટ બુક કરતી વખતે એક નાનું બોક્સ દેખાય છે, જેમાં લખ્યું હોય છે – “શું તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઈચ્છો છો?” મોટાભાગના લોકો આ બોક્સને અવગણીને આગળ વધી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ નાનકડા બોક્સમાં ફક્ત 45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ છુપાયેલું છે? આ પ્રકારના વીમાને ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની ભાષામાં “એમ્બેડેડ ઇન્શ્યોરન્સ” કહેવામાં આવે છે. બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડના ચીફ ટેક્નિકલ ઓફિસરના જણાવ્યા મુજબ, આજકાલ કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસ ખરીદતી વખતે વીમો પણ સાથે જ મળી જાય છે – અલગથી કંઈ કરવાની જરૂર નથી.
પહેલાના સમયમાં વીમો ખરીદવો એટલે લાંબી પ્રોસેસ – એજન્ટને મળવું, ફોર્મ ભરવા, પ્રીમિયમની સરખામણી કરવી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. તમે જ્યારે ઓનલાઇન સ્માર્ટફોન ખરીદો છો, ત્યારે ચેકઆઉટ પેજ પર જ તમને ડેમેજ કે ચોરી સામે કવરેજનો વિકલ્પ મળે છે. બસ એક ક્લિકમાં આ સુવિધા મળી જાય છે. ટ્રેન કે ફ્લાઇટ ટિકિટ બુક કરતી વખતે પણ આવું જ થાય છે. ટ્રેન ટિકિટ સાથે તો માત્ર 45 પૈસામાં 10 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવરેજ મળી જાય છે.
આજકાલ સ્માર્ટફોનમાં પહેલેથી જ એક્સિડન્ટલ ડેમેજ, ચોરી અને એક્સટેન્ડેડ વોરંટી જેવી સુવિધાઓ સામેલ હોય છે. Flipkart, Amazon જેવા ઓનલાઇન પ્લેટફોર્મ ઉપરાંત Reliance Digital અને Croma જેવા સ્ટોરમાં પણ આ સુવિધા મળે છે. લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટવોચ જેવા ડિવાઇસ માટે પણ આવું જ ઇન-બિલ્ટ કવરેજ મળે છે.
એક રિસર્ચ મુજબ, એમ્બેડેડ ઇન્શ્યોરન્સના કારણે પ્રોડક્ટ લોન્ચ થવાનો સમય 12 મહિનાથી ઘટીને હવે થોડા અઠવાડિયા જ રહી ગયો છે. આ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે પણ ફાયદાકારક છે અને ડિજિટલ પ્લેટફોર્મ માટે પણ આકર્ષક બની ગયું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે એક્સટેન્ડેડ વોરંટી પણ સારો વિકલ્પ છે, જેમાં ઓરિજિનલ વોરંટી પૂરી થયા બાદ પણ મરામત કે બદલવાનો ખર્ચ કવર થાય છે.