IPO August 2026 : ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ધમાકો, PhonePe અને Zepto સહિત 25 કંપનીઓ એકત્ર કરશે ₹35,000 કરોડ

જુલાઈમાં ગતિ મળ્યા બાદ ઓગસ્ટ 2026માં IPO માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. PhonePe, Zepto અને Shiprocket જેવા મોટા નામો સહિત 25 કંપનીઓ ₹35,000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.

IPO August 2026 : ઓગસ્ટમાં પ્રાઇમરી માર્કેટમાં ધમાકો, PhonePe અને Zepto સહિત 25 કંપનીઓ એકત્ર કરશે ₹35,000 કરોડ
| Updated on: Jul 27, 2026 | 7:51 PM

ભારતીય શેરબજારમાં જુલાઈ દરમિયાન IPO માર્કેટે શાનદાર વાપસી કરી છે અને હવે ઓગસ્ટમાં આ રફતાર વધુ ઝડપી બનવાની આશા છે. જુલાઈમાં SBI Funds Management ના આ વર્ષના સૌથી મોટા IPO ની સફળતા બાદ હવે આવતા મહિને આશરે 25 કંપનીઓ પોતાના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીઓનો લક્ષ્યાંક સામૂહિક રીતે આશરે ₹35,000 કરોડ એકત્ર કરવાનો છે. એક રિપોર્ટ અનુસાર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોનું માનવું છે કે માર્કેટમાં સ્થિરતા પાછી ફરવા અને રોકાણકારોનો રસ વધવાના કારણે ઓગસ્ટ 2026 આ વર્ષનો સૌથી વ્યસ્ત IPO મહિનો સાબિત થઈ શકે છે.

PhonePe અને Zepto જેવા મોટા નામો હશે આકર્ષણનું કેન્દ્ર

ઓગસ્ટના IPO કેલેન્ડરમાં ઘણી ચર્ચિત ન્યૂ-એજ કંપનીઓ સામેલ છે. વોલમાર્ટ સમર્થિત ડિજિટલ પેમેન્ટ કંપની PhonePe આશરે ₹12,000 કરોડનો IPO લાવી શકે છે. આ પછી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Zepto લગભગ ₹8,010 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે. તો બીજી તરફ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ Shiprocket પણ આશરે ₹2,342 કરોડના ઇશ્યૂ સાથે બજારમાં દસ્તક આપી શકે છે.

આ સિવાય Truhome Finance, Juniper Green Energy, Innovatiview India અને Gaja Alternative Asset Management જેવી કંપનીઓ પણ ઓગસ્ટમાં IPO લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર Ardee Industries, Dhoot Transmission, Hy-Tech Engineers, ARCIL, Leap India, Priority Jewels, Shankesh Jewellers, Skyways અને MV Electrosystem સમેત અન્ય ઘણી કંપનીઓ પણ લિસ્ટિંગની તૈયારીમાં છે.

શા માટે પસંદ કરવામાં આવ્યો ઓગસ્ટનો સમય?

માર્કેટ એક્સપર્ટ્સના મતે કંપનીઓ ઓગસ્ટને IPO લોન્ચ કરવા માટે સૌથી ઉત્તમ સમય માની રહી છે. આનું એક કારણ એ છે કે ઘણી કંપનીઓને સેબી (SEBI) પાસેથી મળેલી મંજૂરી સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે. આ સિવાય NSE અને Jio Platforms જેવા મોટા IPO આવ્યા પહેલાં બજારમાં ઉતરવું એ પણ કંપનીઓની રણનીતિનો એક ભાગ છે.

બીજું એક કારણ શ્રાદ્ધ (પિતૃ પક્ષ) નો સમય છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રોકાણ પ્રવૃત્તિઓ થોડી ધીમી પડી જાય છે. એવામાં કંપનીઓ તે પહેલાં જ પોતાના ઇશ્યૂ પૂરા કરી લેવા માંગે છે.

જુલાઈમાં પાછી પકડી ગતિ

આ વર્ષની શરૂઆતમાં IPO માર્કેટની ચાલ મિશ્ર રહી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 10 કંપનીઓએ આશરે ₹12,927 કરોડ એકત્ર કર્યા, જ્યારે માર્ચમાં 8 IPO દ્વારા ₹5,852 કરોડ આવ્યા. આ પછી એપ્રિલ અને મે મહિનામાં ભૂ-રાજનાઇતિક તણાવ, ઈરાન યુદ્ધ અને વિદેશી રોકાણકારોની નબળી ભાગીદારીના કારણે બજારની ઝડપ ધીમી પડી ગઈ. મે મહિનામાં તો એક પણ IPO આવ્યો ન હતો.

જોકે, જૂનથી ધીમે-ધીમે સુધારો શરૂ થયો અને જુલાઈમાં બજારે જબરદસ્ત વાપસી કરી. જુલાઈમાં અત્યાર સુધી 10 IPO દ્વારા ₹26,279 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, જેનાથી આ વર્ષનો સૌથી મજબૂત મહિનો બની ગયો છે. સમગ્ર 2026માં અત્યાર સુધી 37 IPO દ્વારા કુલ ₹48,852 કરોડ એકત્ર કરી લેવાયા છે.

આગળ પણ મજબૂત જળવાઈ શકે છે રફતાર

ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોનું કહેવું છે કે બજારમાં અસ્થિરતા થોડી ઓછી થવા અને રોકાણકારોનો ભરોસો પાછો ફર્યા બાદ ઘણી કંપનીઓ, જે અત્યાર સુધી રાહ જોઈ રહી હતી, તે હવે IPO લોન્ચ કરવા માટે તૈયાર છે. Prime Database ના જણાવ્યા અનુસાર 24 જુલાઈ સુધી 178 કંપનીઓને સેબી પાસેથી IPO લાવવાની મંજૂરી મળી ચૂકી છે. આ કંપનીઓ ભવિષ્યમાં આશરે ₹2.9 લાખ કરોડ એકત્ર કરી શકે છે. આ સિવાય અન્ય 70 કંપનીઓના પ્રસ્તાવ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, જેના દ્વારા આશરે ₹1.8 લાખ કરોડ એકત્ર કરવાનું આયોજન છે.

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

દુનિયાનો સૌથી મોંઘો સ્ટોક, જેને ખરીદી શકતા નથી દુનિયાના 99% લોકો! અત્યાર સુધી આપ્યું 26,178% રિટર્ન

Follow Us