
ભારત દુનિયાના ઘણા દેશ સાથે રૂપિયામાં વેપાર કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પણ ભારતે રૂપિયામાં વેપાર કર્યો હતો. આ ઉપરાંત આ દરમિયાન ક્રૂડ તેલ ડિસ્કાઉન્ટ રેટમાં ખરીદ્યું હતું. હવે ભારતીય રૂપિયો ઈન્ડોનેશિયામાં પણ ચાલશે. કરન્સી એક્સચેન્જ કે ડોલરની વ્યવસ્થા કર્યા વગર જ ઈન્ડોનેશિયા સાથે વેપાર કરી શકાશે.
આ વેપાર કરવા માટે ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઈન્ડોનેશિયા વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. RBI અને બેંક ઈન્ડોનેશિયા એટલે કે BI એ ગુરુવારે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશ હવે દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપશે. તેમાં ભારતીય રૂપિયો અને ઈન્ડોનેશિયન રૂપૈયા બંનેનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, બંને દેશ વચ્ચે લેણદેણ માટે એક સિસ્ટમ બનાવવામાં આવશે. ભારતીય રૂપિયો અને ઈન્ડોનેશિયન રૂપૈયામાં (IDR) વ્યવહાર થઈ શકે તે માટે બંને દેશની કેન્દ્રીય બેંક વચ્ચે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ બન્યા બાદ બંને દેશના એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરને ફાયદો થશે. તેઓ સ્થાનિક ચલણમાં જ બિલની ચૂકવણી કરી શકશે.
આ સીસ્ટમનો બીજો ફાયદો ઈન્ડોનેશિયન રૂપૈયા અને ભારતીય રૂપિયા વચ્ચેના વિદેશી મુદ્રા વિનિમય બજારનો વિકાસ થશે. વિદેશી ચલણ તરીકે ભારતીય રૂપિયાની માગ અને વિશ્વસનીયતામાં વધારો થશે.
RBI ના નિવેદન મૂજબ ડોલર સિવાય સ્થાનિક ચલણમાં વેપાર કરવાથી તેની કિંમતમાં ઘટાડો થશે. આ સાથે જ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં ઓછો સમય લાગશે. આ એમઓયુ પર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને બેંક ઈન્ડોનેશિયાના ગવર્નર પેરી વારજીયોએ હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી RBI અને BI વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને વધારે મજબૂત બનાવશે.
આ પણ વાંચો : IPO માં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, આ કંપનીનો આઈપીઓ ખુલતાની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું 100 ટકા
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, દ્વિપક્ષીય વ્યવહારોમાં સ્થાનિક ચલણનો ઉપયોગ આખરે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવા તેમજ નાણાકીય એકીકરણ અને વર્ષો જૂના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે.