
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ‘અમેરિકા ફર્સ્ટ’ની રાજનીતિમાં વ્યસ્ત છે અને તે જ સમયે ભારત ચૂપચાપ વધુ એક મોટી ડીલ કરવા જઈ રહ્યું છે. સમાચાર મળી રહ્યા છે કે, કેનેડા અને ભારત વચ્ચે 3 અબજ ડોલર (અંદાજે ₹27,468 કરોડ) ની ડીલ ($3 billion uranium agreement) થવા જઈ રહી છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, માર્ચ મહિનામાં 10 વર્ષ લાંબી યુરેનિયમ સપ્લાયની ડીલ (Canada India uranium deal) સાઈન થઈ શકે છે. તાજેતરમાં ગોવામાં યોજાયેલા ઈન્ડિયા એનર્જી વીક (India Energy Week) દરમિયાન આ અંગેની વાતચીત તેજ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચમાં બંને વડાપ્રધાનની બેઠક દરમિયાન આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ઉત્પાદક દેશ છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર, વિશ્વના કુલ યુરેનિયમ ઉત્પાદનમાં કેનેડાનો હિસ્સો 13 થી 15 ટકા જેટલો છે. બીજી તરફ, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશકાર દેશ છે. ખાસ વાત એ છે કે, ભારત વર્ષ 2047 સુધીમાં પોતાની પરમાણુ ઉર્જા ક્ષમતાને 10 ગણી વધારીને 100 ગીગાવોટ કરવા માંગે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, ભારતને લાંબાગાળા માટે એક વિશ્વસનીય યુરેનિયમ સપ્લાયરની જરૂર છે.
આ સપ્લાય સમજૂતીનો સૌથી મોટો લાભ કેનેડાની કંપની કેમિકો (Cameco) ને મળી શકે છે. આ વિશ્વની સૌથી મોટી પબ્લિકલી ટ્રેડેડ યુરેનિયમ કંપની છે અને તે સસ્કેચેવાન પ્રાંતમાં આવેલી સિગાર લેક (Cigar Lake) ખાણની મુખ્ય માલિક છે, જેને વિશ્વની સૌથી હાઇ-ગ્રેડની યુરેનિયમ માઈન (ખાણ) માનવામાં આવે છે.
ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (Department of Atomic Energy) ના પ્રવક્તાએ આ સંભવિત ડીલની કિંમત ‘અંદાજે 3 અબજ ડોલર’ ગણાવી છે. કેનેડાના ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી ટિમ હોજસને (Tim Hodgson) સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કેનેડા પાસે વિશ્વનું સૌથી શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાનું યુરેનિયમ છે, જે અમે અગાઉ પણ ભારતને સપ્લાય કરી ચૂક્યા છીએ. આ ડીલ બંને દેશો માટે ‘વિન-વિન’ (બંને પક્ષે ફાયદાકારક) સ્થિતિ છે.”
તેમણે પુષ્ટિ કરી હતી કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) માર્ચમાં દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે, જ્યાં યુરેનિયમ સહિત બીજા વેપાર કરાર (Trade Deals) પર મહોર મારવામાં આવશે.
આ ડીલ એવા સમયે થઈ રહી છે, જ્યારે વર્ષ 2023-24માં ભારત-કેનેડાના સંબંધો અત્યંત વણસી ગયા હતા.જો કે, તે સમયે કેનેડાના તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રુડોની (Justin Trudeau) સરકારે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય એજન્સીઓ સાથે જોડાયેલા લોકોએ કેનેડામાં એક શીખ અલગતાવાદીની હત્યા કરી છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા. હવે એ જ સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સૌથી મોટી વાત એ છે કે, જ્યારે ટ્રમ્પ ભારત પર ટેરિફ અને દબાણની રાજનીતિ કરી રહ્યા હતા, ત્યારે ભારતે ચુપચાપ પોતાની ઉર્જા સુરક્ષા માટે એવી ડીલ લાઈનમાં લગાવી દીધી છે, જે આવનારા દાયકાઓ સુધી રમત બદલી (Game Changer) શકે છે.