તમારી સેલેરી 12.75 લાખથી ઓછી છે ? તો પણ આ કમાણી પર આપવો પડશે ‘ટેક્સ’, સમજી લો ‘નિયમ’

નવી ટેક્સ સિસ્ટમમાં 12.75 લાખ રૂપિયા સુધીની સેલેરી પર કોઈ ટેક્સ નથી લાગતો, જે નોકરિયાત વર્ગ માટે ખૂબ મોટી રાહત છે. એવામાં શું તમે જાણો છો કે, સેલેરી આનાથી ઓછી હોય તો પણ તમારી અમુક કમાણી પર મોટો ટેક્સ લાગી શકે છે?

તમારી સેલેરી 12.75 લાખથી ઓછી છે ? તો પણ આ કમાણી પર આપવો પડશે ટેક્સ, સમજી લો નિયમ
| Updated on: Jun 29, 2026 | 8:18 PM

જો તમારી વાર્ષિક સેલેરી 12.75 લાખ રૂપિયા કે તેથી ઓછી છે, તો તેનો અર્થ એ નથી કે તમને દરેક પ્રકારની આવક પર ટેક્સમાંથી સંપૂર્ણ છૂટ મળી જશે. નવી ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને કલમ 87A હેઠળ મળતી ટેક્સ છૂટના કારણે આ મર્યાદા સુધીની સેલેરી પર ટેક્સ ચૂકવવો પડતો નથી.

જો કે, અમુક પ્રકારની આવક એવી છે કે, જેના પર ઓછી સેલેરી હોવા છતાં પણ ટેક્સ ચૂકવવો જરૂરી છે. આવી સ્થિતિમાં ટેક્સના નિયમોને સમજવા જરૂરી છે, જેથી પછીથી કોઈ મુશ્કેલી ન થાય.

આ આવક પર ચૂકવવો પડશે ‘ટેક્સ’

  1. કેપિટલ ગેઈન (Capital Gain): જો તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ, જમીન, મકાન કે અન્ય પ્રોપર્ટી વેચીને નફો મેળવ્યો છે, તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ પ્રકારની આવક પર કલમ 87A હેઠળ મળતી ટેક્સ મુક્તિ લાગુ પડતી નથી. આથી સેલેરી 12.75 લાખ રૂપિયાથી ઓછી હોવા છતાં પણ કેપિટલ ગેઈન પર નિયત દરે ટેક્સ ચૂકવવો પડશે.
  2. ક્રિપ્ટો કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA): જો તમે ક્રિપ્ટોકરન્સી કે અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ એસેટથી કમાણી કરી છે, તો તેના પર 30% ટેક્સ ચૂકવવો પડશે. આ આવક પર બેઝિક ટેક્સ છૂટ કે કલમ 87Aનો લાભ મળતો નથી. વધુમાં, ફક્ત ખરીદી ખર્ચ જ કાપી શકાય છે; અન્ય ખર્ચનો દાવો કરી શકાતો નથી.
  3. લોટરી અને સટ્ટાબાજીથી થયેલી કમાણી: લોટરી કે અન્ય સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓમાંથી થતી આવક પર પણ 30%ના દરે ટેક્સ ચૂકવવો પડે છે. આ આવક પર પણ સામાન્ય ટેક્સ છૂટનો લાભ મળતો નથી.

ઓછી આવક હોવા છતાં ક્યારે ભરવું પડશે ITR?

  1. કેટલાક કિસ્સાઓમાં આવક ટેક્સ મર્યાદા કરતાં ઓછી હોવા છતાં પણ ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન) ફાઇલ કરવું ફરજિયાત હોઈ શકે છે.
  2. એક વર્ષમાં 1 લાખ રૂપિયા કે તેથી વધુનું વીજળી બિલ ભરવું.
  3. 2 લાખ રૂપિયાથી વધુનો વિદેશ પ્રવાસનો ખર્ચ.
  4. અમુક નક્કી કરેલી મર્યાદાથી વધુ ક્રેડિટ કાર્ડનું રોકડ પેમેન્ટ.

આવા કિસ્સાઓમાં આવક ઓછી હોવા છતાં પણ ITR ફાઇલ કરવું પડી શકે છે.

જો તમારી સેલેરી 12.75 લાખ રૂપિયા સુધીની છે અને માત્ર પગારથી જ આવક થાય છે, તો તમારે ટેક્સ ચૂકવવો નહીં પડે. જો તમારી કમાણીમાં કેપિટલ ગેઈન, ક્રિપ્ટો, લોટરી કે અન્ય કોઈ ખાસ કેટેગરીની આવક જોડાયેલ છે, તો તેના પર નક્કી કરેલા નિયમો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ ‘નાનું કામ’

Follow Us