MONEY9: ખર્ચને અંકુશમાં રાખવાનો રામબાણ ઉપાય! શોખ અને જરૂરિયાત વચ્ચે ભેદ પારખો

| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:33 PM

તમારે તમારા બજેટ અને ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને જરૂરિયાત તથા શોખ વચ્ચે તફાવત કરવો જોઈએ. તમારે આર્થિક જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે કેવી રીતે સમતોલન સાધવું તેની તરકીબ અમે તમને જણાવીશું.

વિસનગરમાં રહેતા વિશાલ મોંઘીદાટ (LUXURY) વસ્તુઓનાં શોખીન છે. તેઓ કાર, લક્ઝરી ઘડિયાળ અને ફાઈવસ્ટાર વેકેશન માણવા પાછળ ધૂમ પૈસા ખર્ચે (SPEND) છે. વિશાલની કમાણી પણ સારી છે, પરંતુ આ મોંઘો શોખ ઘણીવાર તેમના માસિક બજેટ (MONTHLY BUDGET)ના બાર વગાડી દે છે. આ કારણસર તે વારંવાર જરૂરિયાત અને લક્ઝરી વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જાય છે. એટલે કે, કઈ વસ્તુની ખરેખર જરૂર છે અને કઈ વસ્તુ માત્ર ઈચ્છા સંતોષવા માટે લઈ રહ્યાં છે, આ બંને વચ્ચેનું અંતર સમજવામાં તેમણે, માથુ ખંજવાળવું પડે છે. જો વિશાલની જેમ તમે પણ, આવી મૂંઝવણ અનુભવી રહ્યાં હોવ તો, તમારે મની નાઈનનો આ વીડિયો અવશ્ય જોવો જોઈએ.

આપણી જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે શું ફરક છે?

જરૂરિયાત એટલે એવી વસ્તુ જેના વગર તમારું કામ ચાલી શકે એમ ન હોય જ્યારે ઈચ્છાનો અર્થ એવી વસ્તુઓ કે સર્વિસિસ સાથે જોડાયેલો છે, જેને ખરીદવાની તમારે કોઈ જરરૂ જ નથી, એટલે કે, માત્ર શોખ પૂરા કરવા અને દેખાડો કરવા માટે તમે જે વસ્તુઓ ખરીદો તે. ઉદાહરણ સાથે સમજીએ તો, સ્માર્ટફોન એક જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ આઈફોન ખરીદવો તે લક્ઝરી છે. ટુ બીએચકે કે થ્રી બીએચકે ફ્લેટ ખરીદવો તમારા પરિવારની જરૂરિયાત છે, પરંતુ પ્રીમિયમ એપાર્ટમેન્ટ માટે અઢળક પૈસા ખર્ચવા તે માત્ર તમારી ઈચ્છા છે.

તમારે તમારા બજેટ અને ભવિષ્યના આયોજનને ધ્યાનમાં રાખીને જરૂરિયાત તથા શોખ વચ્ચે તફાવત કરવો જોઈએ. તમારે આર્થિક જરૂરિયાત અને ઈચ્છા વચ્ચે કેવી રીતે સમતોલન સાધવું તેની તરકીબ અમે તમને જણાવીશું. આના માટે તમારે પોતાની જરૂરિયાતો નક્કી કરવી પડશે, જેમાં ઘરનું ભાડું અથવા હોમ લોનના હપ્તા, વીમાના હપ્તા, વીજળી-પાણી, મહિનાનું રાશન વગેરેનો સમાવેશ થશે. તમારે તમારી ઈચ્છાઓ પણ નક્કી કરવી પડશે. આરામદાયક જીવન જીવવા માટે તમને જે વસ્તુઓ કે સર્વિસિસ ખરીદવાની ઈચ્છા થાય તેને આ કેટેગરીમાં મૂકી શકો. જેમકે, ખાવું એ તમારી જરૂરિયાત છે, પરંતુ રોજ બહાર ખાવું તે લક્ઝરી છે.

હવે, બંને વસ્તુઓને બે અલગ-અલગ ભાગમાં વહેંચી દો. ઉદાહરણ તરીકે, તમે વીમાના હપ્તા અને બેઝિક ફોન પ્લાનને જરૂરિયાતની કેટેગરીમાં રાખી શકો, જ્યારે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન અને કેબલના પ્રીમિયમ પેકેજને તમે ઈચ્છાઓની કેટેગરીમાં મૂકી શકો. હવે, પોતાના માસિક પગારના આધારે, આ બંને પાછળ થતાં ખર્ચની સરખામણી કરો. આ બંને પાછળ આખો પગાર વાપરવાની ભૂલ ના કરતાં, કારણ કે, બચત કરવી પણ અનિવાર્ય છે.

આ માટે અમે તમને 50: 30:20, એમ ત્રણ ભાગ પાડવાની સલાહ આપીએ છીએ. એટલે કે, પગારનો 50 ટકા હિસ્સો જરૂરિયાત પાછળ જ્યારે 30 ટકા હિસ્સો લક્ઝરી આઈટમ્સ માટે અને બાકીનો ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો બચત માટે અલગ રાખવો જોઈએ. તમે જરૂર પડે તે મુજબ, એક કેટેગરીની વસ્તુ બીજી કેટેગરીમાં નાખી શકો છો. એટલે કે, નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન તમારા માટે જરૂરિયાત હોઈ શકે છે અથવા પહેલેથી તમારી પાસે એક વીમો હોય અને તમે બીજો વીમો ખરીદો તો, તેને લક્ઝરી કેટેગરીમાં મૂકી શકો.

નિષ્ણાતની સલાહ

જાણીતા સીએ અને ટેક્સ એક્સપર્ટ ગૌરી ચઢ્ઢા કહે છે કે, જો તમારી આવક મર્યાદિત હોય અને રિટાયરમેન્ટ પ્લાન સુરક્ષિત હોય, તો જ તમારે લક્ઝરી આઈટમ્સમાં રોકાણ કરવું જોઈએ. જો રિટાયરમેન્ટ પ્લાન સલામત હોય, તો લક્ઝરી કાર ખરીદો કે પછી વિદેશમાં વેકેશન માણશો, તો વાંધો નહીં આવે. લક્ઝરી આઈટમ્સ પાછળ પૈસા ખર્ચો તેની પહેલાં ઘર જેવી જરૂરિયાત પાછળ રોકાણ કરવું જરૂરી છે. તેણીનું કહેવું છે કે, જો તમે બિઝનેસ કરતાં હોવ, તો તમારે બિઝનેસ માટે જગ્યા ખરીદવા પાછળ ધ્યાન આપવું જોઈએ, કારણ કે, તે એક જરૂરિયાત છે. જો તમે બિઝનેસ કરવા માટે ભાડું ભરી રહ્યાં હોવ, તો તે પણ એક જરૂરિયાત છે. આવી જરૂરિયાતો પૂરી થયા પછી, જે પૈસા બચે એટલે કે, આવી સરપ્લસ મનીનો ઉપયોગ તમે લક્ઝરી પાછળ કરી શકો છો.

આજકાલ, ઘણા લોકો ઊંચા વળતર માટે લક્ઝરી આઈટમ્સ પાછળ રોકાણ કરે છે. ઘણા લોકો વિન્ટેજ કાર, વિન્ટેજ ઘડિયાળ, વાઈન, પેઈન્ટિંગ વગેરેમાં રોકાણ કરે છે. પરંતુ જો તમને આ સમગ્ર કારોબારનો પૂરેપૂરો આઈડિયા હોય, તો જ આવી વસ્તુઓ પાછળ પૈસા લગાવો.

આ પણ જુઓ

ઑનલાઇન શૉપિંગ કરો છો? અપનાવો આ ટ્રિક્સ, બચાવો પૈસા

આ પણ જુઓ

મહિનાના અંતે ખિસ્સું ખાલી ન થાય તે માટે શું કરવું?