નાણાકીય સેવા વિભાગ (DFS) સચિવ સંજય મલ્હોત્રાને કેન્દ્ર દ્વારા ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકે આજે આ માહિતી આપી હતી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સંજય મલ્હોત્રાનું નામાંકન 16 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યું છે અને આગામી આદેશો સુધી તે અમલમાં રહેશે. 10 ફેબ્રુઆરીએ જ કેન્દ્રએ (Government) સંજય મલ્હોત્રાની તાત્કાલિક અસરથી નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ તરીકે નિમણૂક કરી હતી. સામાન્ય બજેટ રજૂ થયા બાદ આ જગ્યા ખાલી પડી હતી. દેવાશિષ પાંડાની વિદાય બાદ રાજેશ વર્માને નાણાકીય સેવા વિભાગના સચિવનો વધારાનો હવાલો મળ્યો હતો.
Central Govt nominates Sanjay Malhotra, Secretary, Department of Financial Services as a Director on the Central Board of Reserve Bank of India. The nomination of Malhotra is effective from February 16, 2022 and until further orders: RBI
— ANI (@ANI) February 16, 2022
સંજય મલ્હોત્રા રાજસ્થાન કેડરના 1990 બેચના IAS અધિકારી છે. નવેમ્બર 2020માં તેઓ RECના અધ્યક્ષ અને MD બન્યા. આ પહેલા તેઓ પાવર મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સંજય મલ્હોત્રાએ IIT કાનપુરમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. જ્યારે તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું. છેલ્લા 30 વર્ષથી મલ્હોત્રાએ પાવર, ફાઈનાન્સ, ટેક્સેશન, આઈટી અને ખાણ જેવા વિભાગોમાં સેવા આપી છે.
રિઝર્વ બેંકની કામગીરીની દેખરેખ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ બોર્ડની રચના સરકાર દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ કરવામાં આવે છે. સરકાર ડાયરેક્ટરની નિમણૂક કરે છે, જે ચાર વર્ષના સમયગાળા માટે હોય છે. બોર્ડમાં બે ભાગોનો સમાવેશ થાય છે, પ્રથમ સત્તાવાર ડિરેક્ટર જેમાં ગવર્નર અને વધુમાં વધુ 4 ડેપ્યુટી ડિરેક્ટર હોય છે.
બીજી તરફ બિન-સત્તાવાર ડિરેક્ટરોમાં 2 સરકારી અધિકારીઓ સહિત કુલ 10 ડિરેક્ટરો નોમિનેટ થયા છે. અન્યમાં 4 પ્રાદેશિક બોર્ડમાંથી 4 ડિરેક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડમાં હાલમાં ગવર્નર શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈન, ડેપ્યુટી ગવર્નર ડૉ. એસ.ડી. પાત્રા, ડેપ્યુટી ગવર્નર એસ. રાજેશ્વર રાવ અને ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરની સાથે સંજય મલ્હોત્રા, રેવતી અય્યર, સચિન ચતુર્વેદી, નટરાજન ચન્દ્રશેખરન, સ્વામી નાથન ગુરુમૂર્તિ અને અજય શેઠનો સમાવેશ થાય છે.
બોર્ડની મદદથી રિઝર્વ બેંક બેંકોનું સરળ સંચાલન, નાણાકીય બજારોના વિકાસ અને નિયમન, બેંકો અને સરકાર માટે બેંકર તરીકેના કાર્યો, વિદેશી હૂંડિયામણનું સંચાલન, દેવું વ્યવસ્થાપન જેવા કાર્યો કરે છે.
આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મળ્યો આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, સીએમ સરમાએ ‘આસામ વૈભવ’ આપીને કર્યા સન્માનિત