સરકારનો એફટીએ દ્વારા ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ માટે ડ્યુટી કન્સેશન મેળવવાનો પ્રયાસઃ ટેક્સટાઇલ મંત્રી
ડિસેમ્બર, 2021માં તૈયાર વસ્ત્રોની નિકાસ 22 ટકા વધીને 1.46 અરબ ડોલર થઈ હતી, જ્યારે ડિસેમ્બર, 2020માં આ 1.20 અરબ ડોલર રહી હતી.
કેન્દ્રીય કાપડ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે (Union Minister of Textiles and Commerce and Industry Piyush Goyal) કહ્યું છે કે, સરકાર નવા બજારો સુધી પહોંચવા અને મુક્ત વેપાર કરારો (FTA) દ્વારા ટેક્સટાઈલ ઉત્પાદનો પર ડ્યૂટી છૂટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ટેક્સટાઇલ એસોસિએશનો (Textile Associations) સાથેની ચર્ચામાં ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે બ્રિટન, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ), કેનેડા, યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયા સાથે ચાલી રહેલી વાટાઘાટોમાં ટેક્સટાઇલ ઉત્પાદનો માટે ડ્યુટી કન્સેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
GST પાછો ખેંચવાના નિર્ણય બદલ આભાર
ઓલ ઈન્ડિયા ટેક્સટાઈલ એસોસિએશનને સંબોધિત કરતી વખતે, ગોયલે કાપડ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વધારીને 12 ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્તમાન પડકારજનક સમયમાં ઉદ્યોગના હિતધારકોની વિનંતીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
કાપડ ક્ષેત્ર માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાનો ઉલ્લેખ કરતાં ગોયલે કહ્યું કે આનાથી વૈશ્વિક બજારોમાં ભારતના માનવસર્જિત ફાઇબર અને ટેકનિકલ કાપડની પહોંચ વધારવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે 10,683 કરોડ રૂપિયાની PLI યોજના દ્વારા 7.5 લાખ પ્રત્યક્ષ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે.
કપડાની નિકાસ વધશે
આગામી મહીનાઓમાં મજબૂત માગ રહેવાને કારણે અને ઓર્ડર બુક ભરી હોવાને કારણે કપડાની નિકાસને મજબૂત ટેકો મળવાની ધારણા છે. એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC)ના પ્રમુખ એ. શક્તિવેલે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય વસ્ત્રોના ઉત્પાદકો માટે વિશ્વભરના ખરીદદારો અને બ્રાન્ડ્સ તરફથી ઓર્ડર ઝડપથી વધી રહ્યા છે. માગમાં આ મજબૂતી સાથે, ભારતીય વસ્ત્રોની નિકાસ પણ આગામી મહિનાઓમાં ઐતિહાસિક સ્તરે પહોંચવાની અપેક્ષા છે.
ડિસેમ્બર, 2021માં તૈયાર વસ્ત્રોની નિકાસ 22 ટકા વધીને 1.46 અરબ ડોલર થઈ હતી જ્યારે ડિસેમ્બર, 2020માં આ 1.20 અરબ ડોલર રહી હતી. શક્તિવેલે કહ્યું, ભારતીય એપેરલ સેક્ટરે જબરદસ્ત પુનરાગમન કર્યું છે. મહામારીની બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા ઘણા નિયંત્રણો છતાં, તેણે સારું પ્રદર્શન કર્યું છે. તમામ પડકારો છતાં એપેરલ નિકાસકારોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.
તેમણે કહ્યું કે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ અને PM-મિત્ર સ્કીમ્સ ભારતને ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વની સ્થિતિ પાછી મેળવવામાં મદદ કરશે. આ સિવાય યુએસ, યુકે અને યુએઈ સાથેના વેપાર કરારોના ઝડપી અમલીકરણને કારણે ભારતીય એપેરલ સેક્ટર વધુ આકર્ષક બની શકે છે.
આ પણ વાંચો : હવે રિકરિંગ બિલ ભરવાનું થશે સરળ, ભારત બિલપે લોન્ચ કરશે UPMS, આ રીતે કરશે કામ