
સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના એક યુનિટ પર તેના બેટરી સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સમયમર્યાદા ચૂકી જવા બદલ દંડ લાદ્યો છે. કંપનીને પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટ માટે ટેકો મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત શરતો અનુસાર પ્રથમ લક્ષ્ય સમયસર પૂર્ણ થઈ શક્યું નથી.
રિલાયન્સ ન્યૂ એનર્જી બેટરી સ્ટોરેજ લિમિટેડ (RNEBSL) એ સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેને 3 માર્ચ, 2025 ના રોજ ભારે ઉદ્યોગ મંત્રાલય તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં 1 જાન્યુઆરી, 2025 થી વિલંબના દરેક દિવસ માટે 0.1 ટકા દંડની જોગવાઈ હતી. આ વિલંબ પર અત્યાર સુધીમાં 3.1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જો કે, કંપનીએ આ વિલંબના કારણો જાહેર કર્યા નથી, પરંતુ સરકારને સમયમર્યાદા વધારવાની અપીલ કરી છે.
રિલાયન્સને 2022 સુધીમાં 10 ગીગાવોટ-કલાક (GWh)ની બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટે સરકાર તરફથી $400 મિલિયન (આશરે રૂ. 3,300 કરોડ) નો પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સપોર્ટ મળ્યો હતો. આ યોજના હેઠળ, કુલ 30 GWh અદ્યતન રસાયણ સેલ બેટરી સ્ટોરેજ બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં રિલાયન્સ, રાજેશ એક્સપોર્ટ્સ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ જેવી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
PLI ના નિયમો મુજબ, કંપનીઓએ પ્રથમ બે વર્ષમાં 25 % સ્થાનિક મૂલ્યવર્ધન અને પાંચ વર્ષમાં 50 % સ્થાનિક ઉત્પાદન હાંસલ કરવાનું હતું.
રિલાયન્સે અગાઉ સંકેત આપ્યો હતો કે, ગુજરાતના જામનગરમાં બેટરી ગીગા ફેક્ટરી 2026ના બીજા ભાગમાં કાર્યરત થશે. શરૂઆતમાં, આ પ્લાન્ટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે એસેમ્બલીનું કામ કરશે જે યુટિલિટી-સ્કેલ, રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને મોબિલિટી માર્કેટ માટે બેટરી સપ્લાય કરશે.
ત્યારબાદ, પ્લાન્ટ સેલ મેન્યુફેક્ચરિંગ અને બેટરી કેમિકલ પ્રોડક્શન તરફ આગળ વધશે, જે રિલાયન્સને ભારતમાં એડવાન્સ એનર્જી સોલ્યુશન્સ સેક્ટરમાં અગ્રણી ભૂમિકા આપશે. કંપનીનું લક્ષ્ય 30 GWh વાર્ષિક બેટરી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે.