
ભારતમાં સોનાનું મહત્વ ઘણું વધારે છે. લોકો સોનું દાગીના તરીકે ખરીદે છે, પરંતુ હવે ઘણા લોકો તેને રોકાણ માટે પણ ખરીદી રહ્યા છે. સોનામાં રોકાણ કરવા માટે હાલમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પ છે- Physical Gold, Gold ETF અને Sovereign Gold Bond એટલે કે SGB.
ત્રણેય વિકલ્પમાં સોનાના ભાવ વધે તો ફાયદો થઈ શકે છે. પરંતુ ત્રણેયમાં ખર્ચ, ટેક્સ અને પૈસા પાછા કાઢવાના નિયમો અલગ છે. તેથી રોકાણ કરતા પહેલાં દરેક વિકલ્પને સરળ રીતે સમજવો જરૂરી છે.
Physical Gold એટલે તમે સીધું સોનું ખરીદો, જેમ કે દાગીના, સિક્કા અથવા સોનાના બાર. આનો સૌથી મોટો ફાયદો એ છે કે સોનું તમારી પાસે રહે છે. તમે તેને જરૂર પડે ત્યારે વેચી પણ શકો છો. પરંતુ અહીં કેટલાક વધારાના ખર્ચ હોય છે. સોનું ખરીદતી વખતે 3% GST ચૂકવવો પડે છે.
જો તમે જ્વેલરી ખરીદો છો તો તેના પર Making Charges પણ લાગે છે. એટલે સોનાની કિંમત વધ્યા પછી મળતો નફો આ ખર્ચને કારણે થોડો ઓછો થઈ શકે છે. સોનું ઘરે રાખશો તો તેની સુરક્ષાની ચિંતા પણ રહે છે. બેંક લોકરમાં રાખશો તો લોકરનો ખર્ચ અલગથી થઈ શકે છે.
ટેક્સની વાત કરીએ તો 24 મહિનાથી ઓછા સમય સુધી રાખેલું સોનું વેચવા પર થયેલા નફા પર Short-Term Capital Gain એટલે કે STCG લાગુ થઈ શકે છે. આ ટેક્સ તમારા Income Tax Slab પ્રમાણે નક્કી થાય છે.
જો સોનું 24 મહિનાથી વધુ સમય સુધી રાખ્યા બાદ વેચવામાં આવે તો Long-Term Capital Gain એટલે LTCGના નિયમો લાગુ થઈ શકે છે. હાલમાં તેના પર 12.5% ટેક્સનો દર છે. હાલમાં Physical Gold માટે Indexationનો લાભ મળતો નથી.
Gold ETF એવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે જેઓ સોનામાં રોકાણ કરવા માગે છે, પરંતુ સોનું ઘરે રાખવા માગતા નથી. Gold ETFને તમે શેરની જેમ સ્ટોક એક્સચેન્જ પરથી ખરીદી અને વેચી શકો છો. તેના માટે Demat અને Trading Accountની જરૂર પડે છે. તેમાં તમને સોનાના ભાવમાં વધારાનો લાભ મળી શકે છે, પરંતુ તમારે સોનું જાતે રાખવું પડતું નથી. આ કારણે સોનાની સુરક્ષા કે લોકરની ચિંતા ઓછી થઈ જાય છે.
Gold ETFમાં 12 મહિનાની અંદર વેચાણ કરવામાં આવે તો STCG લાગુ થઈ શકે છે. 12 મહિનાથી વધુ સમય સુધી રાખ્યા બાદ વેચાણ કરવામાં આવે તો LTCGના નિયમો લાગુ થઈ શકે છે. હાલમાં LTCG પર 12.5% ટેક્સનો દર છે. Gold ETFમાં જ્વેલરીના Making Charges જેવા ખર્ચ નથી. જોકે ETFમાં Expense Ratio અને ખરીદી-વેચાણ સાથે જોડાયેલા કેટલાક ખર્ચ હોઈ શકે છે.
Sovereign Gold Bond એટલે SGB. આમાં રોકાણ કરવાથી તમને સોનાના ભાવ વધવાનો લાભ મળી શકે છે. તેની સાથે દર વર્ષે 2.5% વ્યાજ પણ મળે છે. આ વ્યાજ સામાન્ય રીતે છ મહિનામાં એક વખત ચૂકવવામાં આવે છે. જોકે આ વ્યાજ પર લાગુ Income Tax નિયમો પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે. SGBની સામાન્ય અવધિ 8 વર્ષની હોય છે. જોકે નિયમો મુજબ 5 વર્ષ પછી નિર્ધારિત શરતો હેઠળ તેને સમય પહેલાં રિડીમ કરવાની સુવિધા મળી શકે છે.
SGBનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં સોનાના ભાવ વધવાના સંભવિત લાભ ઉપરાંત વ્યાજની આવક પણ મળે છે.
જો તમારે દાગીના પહેરવા છે અથવા વાસ્તવિક સોનું પોતાની પાસે રાખવું છે તો Physical Gold યોગ્ય હોઈ શકે છે. પરંતુ માત્ર રોકાણ માટે જ્વેલરી ખરીદતા પહેલાં GST અને Making Charges જરૂરથી ગણવા જોઈએ. જો તમે સોનામાં રોકાણ કરવા માગો છો પરંતુ Physical Gold રાખવા નથી માંગતા, તો Gold ETF તમારા માટે સરળ વિકલ્પ બની શકે છે.
જો તમે લાંબા સમય માટે રોકાણ કરી શકો છો અને સોનાના ભાવ વધવાના લાભ સાથે વ્યાજ પણ મેળવવા માંગો છો, તો SGB પર વિચાર કરી શકાય છે. સોનામાં રોકાણનો યોગ્ય વિકલ્પ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. તમારી જરૂરિયાત અને રોકાણના સમયગાળા પ્રમાણે નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે.