
IPO પહેલાં ગૌતમ અદાણીનું ગ્રુપ એરપોર્ટ સેક્ટરમાં મોટા પાયે વિસ્તરણ માટે તૈયાર થઈ રહ્યું છે. અદાણી ગ્રુપ 2030 સુધીમાં એરપોર્ટ વ્યવસાયમાં અંદાજે 11 બિલિયન ડોલર, એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણનો ઉપયોગ નવા એરપોર્ટ ટર્મિનલ્સ માટે બોલી લગાવવા, હાલના એરપોર્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા અને નવા બિઝનેસ ક્ષેત્રોમાં પ્રવેશ માટે કરવામાં આવશે.
એરપોર્ટ સિવાય અદાણી ગ્રુપ ભારતમાં એરક્રાફ્ટ મેન્ટેનન્સને મજબૂત બનાવવા માટે AI એન્જિનિયરિંગ સર્વિસીસના અધિગ્રહણ પર વિચાર કરી રહ્યું છે. ભવિષ્યમાં ગ્રુપ વૈશ્વિક ભાગીદારો સાથે મળીને એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પગલું ભારતને એવિએશન હબ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ આ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, કંપની માર્ચ 2028 સુધીમાં એરપોર્ટ વ્યવસાય માટે IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પ્રક્રિયામાં એરપોર્ટ બિઝનેસને પેરેન્ટ કંપની અદાણી એન્ટરપ્રાઇઝથી અલગ કરવાનો વિકલ્પ પણ વિચારાધીન છે. જીત અદાણીએ જણાવ્યું કે ડિમર્જર થવાથી શેરધારકોને વધુ મૂલ્ય મળશે. IPO પહેલાં વ્યૂહાત્મક રોકાણકારોને જોડવાની શક્યતા પણ છે, જોકે હાલમાં કોઈ ઔપચારિક ચર્ચા શરૂ થઈ નથી.
અદાણી એરપોર્ટ કંપની હાલમાં મુંબઈ અને અમદાવાદ સહિત દેશના 7 મહત્વના એરપોર્ટનું સંચાલન કરી રહી છે. સાથે જ, ગ્રુપ 11 નવા એરપોર્ટ ટર્મિનલ્સના ખાનગીકરણ માટે બોલી લગાવવાની તૈયારીમાં છે. તેમાં વારાણસી, ભુવનેશ્વર અને અમૃતસર જેવા એરપોર્ટ ટર્મિનલ્સનો સમાવેશ થઈ શકે છે. સરકાર નફાકારક એરપોર્ટ સાથે ખોટમાં ચાલતા એરપોર્ટને જોડીને ખાનગી કંપનીઓને ઓફર કરી રહી છે, જેથી વધુ રોકાણ આકર્ષી શકાય.
અદાણી ગ્રુપનું સૌથી મોટું ધ્યાન નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેન્દ્રિત છે, જે 25 ડિસેમ્બરે ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રોજેક્ટને ગ્રુપનો શોપીસ એરપોર્ટ માનવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં વાર્ષિક 20 મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતા હશે.
બીજા તબક્કામાં વધારાના 30,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. 2030 સુધીમાં એરપોર્ટ સાથે મોનોરેલ કનેક્ટિવિટી, 20 હોટલ અને આધુનિક એરો સિટી વિકસાવવામાં આવશે. મુસાફરોના સામાનને રિયલ-ટાઈમ ટ્રેક કરવાની સુવિધા મળશે, તેમજ વડાપાંઉથી લઈને મિશેલિન-સ્ટાર રેસ્ટોરન્ટ સુધીના વિવિધ ફૂડ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.
આ મોટું રોકાણ એવા સમયમાં આવી રહ્યું છે જ્યારે અદાણી ગ્રુપ દેવું ઘટાડીને અને નવા રોકાણકારોને જોડીને પોતાની છબી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. હિન્ડનબર્ગ રિપોર્ટ બાદ 2023માં ગ્રુપના માર્કેટ કેપમાં મોટો ઘટાડો થયો હતો. સાથે જ, તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને અદાણી ગ્રુપે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
ભારતના ટોપ 10 અમીર બિઝનેસમેન કયા અને શું ભણ્યા છે ? જાણવા માટે અહીં ક્લિક કરો..
Published On - 3:19 pm, Fri, 19 December 25