Ethanol : શું ઇથેનોલવાળા પેટ્રોલથી ઘટી જશે તમારી ગાડીનું માઇલેજ ? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો !

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે રેસિંગ કારોમાં ઇથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે અને તે વાહનોની કામગીરી તેમજ પ્રદર્શન સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

Ethanol : શું ઇથેનોલવાળા પેટ્રોલથી ઘટી જશે તમારી ગાડીનું માઇલેજ ? કેન્દ્રીય મંત્રીએ કર્યો મોટો ખુલાસો !
Ethanol Hardeep Singh Puri
Image Credit source: AI Generated
| Updated on: Jul 03, 2026 | 10:25 AM

ઇથેનોલ મિશ્રણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રેસિંગ કારમાં ઇથેનોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. વાહનની ગતિ અને કામગીરીમાં સુધારો લાવવામાં ઇથેનોલ ફાળો આપે છે. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની બાયોફ્યુઅલ નીતિ ઉર્જા સુરક્ષા, ખેડૂતોની આવક અને પર્યાવરણીય સંરક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

રેસિંગ કારોમાં સફળ સાબિત થઈ રહ્યું છે ઇથેનોલ

હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે રેસિંગ કારમાં ઇથેનોલનો ઉપયોગ સકારાત્મક પરિણામ આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ બાયોફ્યુઅલ એન્જિન કાર્યક્ષમતા અને કામગીરીમાં સુધારો કરી રહ્યું છે. મંત્રીએ જણાવ્યું કે સરકાર બાયોફ્યુઅલ મિશ્રણના ઉચ્ચ સ્તરની નીતિ સાથે આગળ વધી રહી છે. વધારામાં તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે. તેની સીધી અસર સરકારી તેલ કંપનીઓ પર પડી છે અને તેમને મોટો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

મંત્રીએ માઇલેજ વિશે શું કહ્યું

હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણ કેટલાક કિસ્સાઓમાં વાહનોના માઇલેજને થોડું ઘટાડી શકે છે. પરંતુ તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો અને બાયોફ્યુઅલ આધારિત વાહનો બંને માટે બજારમાં પૂરતી તકો ઉપલબ્ધ છે.

E20 પછી સરકારની શું છે યોજના

મંત્રીએ સ્પષ્ટતા કરી કે ભારત E20થી આગળ ત્યારે જ વધશે જ્યારે પૂરતા પરીક્ષણો અને ટેક્નિકલ તપાસ પૂર્ણ થશે. સરકાર સંપૂર્ણ તૈયારી વિના આગળ વધશે નહીં. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સમાં E10નો વ્યાપકપણે ઉપયોગ થાય છે. જ્યારે E15 ઝડપથી વધી રહ્યું છે. ત્યાં લાખો ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પણ E85 પર ચાલે છે. બ્રાઝિલમાં E27 ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને 100 ટકા ઇથેનોલ તરફ કામ ચાલી રહ્યું છે. કેનેડા, થાઇલેન્ડ, જાપાન અને ઘણા યુરોપિયન દેશોએ પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ અપનાવ્યું છે. મંત્રાલય જણાવે છે કે ભારતનો E20 કાર્યક્રમ આ વૈશ્વિક દિશામાં એક પગલું છે.

ઇથેનોલને શા માટે વધુ સારું માનવામાં આવે છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ આશરે 108 RON છે. આ તેને હાઈ-પરફોર્મન્સ એન્જિન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. ઇથેનોલથી એન્જિનમાં નોકિંગ ઓછી થાય છે.

સતત વધી રહ્યું છે ઇથેનોલનું ઉત્પાદન

ભારતનો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમ 2000ના દાયકાથી કાર્યરત છે. 2013-14માં દેશની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 38 કરોડ લિટર પ્રતિ વર્ષ હતી. જે હવે વધીને 2000 કરોડ લિટર પ્રતિ વર્ષ થઈ ગઈ છે. ડિસેમ્બર 2025 સુધીમાં ઇથેનોલ મિશ્રણનું સ્તર પણ 1.5 ટકાથી વધીને 20 ટકા થયું છે.

સરકારે ગણાવ્યા મોટા ફાયદા

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમથી 2014-15થી ઘણા મોટા ફાયદા થયા છે. આ યોજનાથી ₹1.90 લાખ કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે. ખેડૂતોને ₹1.60 લાખ કરોડથી વધુ ચૂકવવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની આયાતમાં આશરે 310 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે. કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ઉત્સર્જનમાં આશરે 930 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે.

તેલ કંપનીઓ પર વધ્યો ભારે બોજ

હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે સરકારી તેલ કંપનીઓ પર નોંધપાત્ર નાણાકીય દબાણ આવ્યું છે. 30 જૂન સુધીમાં, પેટ્રોલ, ડીઝલ અને LPG કિંમત કરતાં ઓછી કિંમતે વેચવાને કારણે કંપનીઓને ₹74,781 કરોડનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં આ ઇંધણ પર કુલ અંડર-રિકવરી ₹1.88 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

ભાવ ઘટશે કે નહીં?

ઇંધણના છૂટક ભાવમાં ઘટાડાની શક્યતા અંગે મંત્રીએ કહ્યું કે હાલ કંઈપણ કહેવું વહેલું રહેશે. જો આગામી બે-ત્રણ મહિના સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ નીચા રહેશે, તો સરકાર આગળની સ્થિતિ અંગે નિર્ણય કરશે.

આ પણ વાંચો, 40 દિવસમાં 28% સસ્તું થયું ક્રૂડ ઓઈલ, ભારતમાં ક્યારે ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો

Follow Us