દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચ જિલ્લામાં દુનિયાભરમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના રસાયણોના ઉત્પાદન થાય છે. જિલ્લામાં 1000 કરતા વધુ ઉદ્યોગો ધમધમે છે જે જીવનજરૂરિયાતની ચીજોથી લઈ , કૃષિ અને આરોગ્ય સંબંધિત ઉત્પાદનો માટેના રસાયણો બનાવે છે. ઔદ્યોગિક વિકાસ સાથે જિલ્લામાં નકારાત્મક પાસું પણ સામે આવી રહ્યું છે.
કેમિકલના રખરખાવની વ્યવસ્થાના અભાવ , બેદરકારી અને સુરક્ષા તેમન પર્યાવરણના જતન પાછળ થતા ખર્ચને બચાવવાના પ્રયાસમાં કેટલીકવાર ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. કેમિકલ એસ્ટેટમાં ફરતા કપિરાજ રસાયણોના કારણે રંગીન બન્યા હોવના દ્રશ્યો બાદ હવે કેમિકલથી લદબદ એક કામદારનો વિડીયો વાઇરલ થયો છે. દ્રશ્યોમાં કામદાર હોળીના પર્વમાં રંગાયેલો હોય તેવો જોખમી રંગથી ઢાંકાયેલો નજરે પડે છે. આ વ્યક્તિની ઓળખ કરવી પણ મુશ્કેલ જણાઈ રહી છે.
આ અગાઉ ઔદ્યોગિક નગરીમાં રંગીન શ્વાન પણ નજરે પડ્યા હતા. જિલ્લામાં આવેલી ડાઈઝ, ઇન્ટરમીડિયેટ પીગમેન્ટ બનાવતી કંપનીમાં કામ કરતા કામદારોની સુરક્ષા અંગેની લાપરવાહીના કારણે કામદાર રંગાયેલા નજરે પડે છે. આ સ્થિતિમાં કંપનીઓમાં કામ કરતા કામદારો ફરજ ઉપર પુરી કર્યા બાદ બહાર નીકળે ત્યારે ભૂરા અને લીલા રંગોમાં રંગાયેલા જોવા મળે છે. પીગમેન્ટના કારણે તેમનું આખું શરીર આ રંગે રંગાઈ જાય છે.
હોળી કે રંગોળીની જેમ આ રંગ પ્રાકૃતિક નહિ હોવાથી લાંબા ગાળે તે આફત રૂપ બની જાય છે. કેમિકલયુક્ત કલર પીગમેન્ટ્સના કારણે ચામડીના ગંભીર રોગોનો તેઓ શિકાર બની શકે છે. હાલમાં જ અંકલેશ્વરમાં ફરતી કપિરાજની ટોળી રંગીન જોવા મળી હતી. ગણતરીના દિવસ બાદ જ GIDC માં એક કામદાર કંપની બહાર જ આખા શરીરે પીગમેન્ટ્સના રંગથી રંગાયેલો જોવા મળ્યો હતો.
વાઇરલ વીડિયોને કેટલાક જાગૃત નાગરિકો તરફથી સમ્બન્ધિત વિભાગો સુધી પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નજીવા લાભ માટે પશુઓ અને કામદારો ના સ્વસ્થ્યને ખતરામાં મુક્ત ઉદ્યોગો સામે કડક કાર્યવાહી ઉપરાંત નિયમ પાલનની બાંહેધરી અનિવાર્ય બને છે. હાલના તબકે ઔદ્યોગિક એકમમાં પ્રવેશનાર લોકો અને પશુઓની હાલત બદતર બની છે પરંતુ ભવિષ્યમાં બેદરકારી જળ અને જમીનનું પ્રદુષણ ફેલાવે તેવો ભય ઉભો થયો છે ત્યારે અસરકારક કામગીરી ઇચ્છનીય બની રહી છે.
આ પણ વાંચો : BHARUCH : CNG પંપ ઉપર ગેસ ફીલિંગ દરમ્યાન ટેન્કમાં બ્લાસ્ટ થયો, જુઓ વિડીયો
Published On - 8:49 am, Fri, 29 October 21