
આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કેટલાક એવા સમાચાર મળી શકે છે, જેનાથી તેઓ ખુશ નહીં હોય. આ સમાચાર તેમના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) સાથે સંબંધિત છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, DA અને DR માં 1 જાન્યુઆરી, 2026 થી 2% નો વધારો થવાની ધારણા છે. જો આવું થાય છે, તો તે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો DA વધારો હશે. જાન્યુઆરી 2019 થી ફક્ત એક જ વાર (જાન્યુઆરી 2025 માં) DA માં 2% નો વધારો કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં આ વધારો ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આ પહેલી વાર છે, જ્યારે 7મા પગાર પંચની બહાર DA વધારો થશે. 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થાય છે. એવામાં જાન્યુઆરી 2026 થી આપવામાં આવનાર DA કમિશનનો કાર્યકાળ પૂરો થયા પછીનો આ પ્રથમ સુધારો હશે. 8મા પગાર પંચની પ્રક્રિયા હજુ ચાલુ છે. આની રચના થઈ ગઈ છે પરંતુ તેના અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવી નથી.
કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ પગાર વધારો વર્ષ 2027 ના અંતમાં અથવા વર્ષ 2028 ની શરૂઆતમાં જોવા મળશે. જાન્યુઆરી 2026 ના DA ભવિષ્યના ‘મૂળ પગાર’ નક્કી કરશે. એવામાં જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે, ત્યારે તે સમયનો ‘DA’ સામાન્ય રીતે મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને DA ફરીથી શૂન્યથી શરૂ થશે.
સરકાર વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) DA માં વધારો કરે છે. એવું માનવામાં આવે છે કે, 8મું પગાર પંચ વર્ષ 2027 ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. આથી, આગામી 4 DA વધારો (જાન્યુઆરી 2026, જુલાઈ 2026, જાન્યુઆરી 2027 અને જુલાઈ 2027) નવા પગાર મેટ્રિક્સમાં કેન્દ્રીય કર્મચારીઓના સુધારેલા મૂળ પગારને નક્કી કરશે.
સૌથી અગત્યનું, આ 2% વધારો 8મા પગાર પંચ માટે આધાર તરીકે કામ કરશે. વધુમાં જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે, ત્યારે તે સમયનો DA તમારા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. આનો અર્થ એ છે કે, જો DA સ્તર વધારે હશે, તો તમારો નવો મૂળ પગાર પણ વધારે હશે.
જો કેન્દ્ર સરકારના કર્મચારીનો પગાર ₹50,000 હોય અને DA 58% હોય, તો તેમને ₹29,000 DA તરીકે મળે છે. જો DA 60% સુધી વધે, તો તેમને ₹30,000 મળશે, જે દર મહિને ₹1,000 નો લાભ હશે.