
ભારતમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ને એક વિશ્વસનીય બચત યોજના માનવામાં આવે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સરકાર દ્વારા ગેરંટીકૃત છે, તેમાં રોકેલા નાણા ઉપર નિશ્ચિત વળતર આપવામાં આવે છે અને કરમુક્ત છે. જો કે, એક ઘણા લોકોમાં, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજનાને લઈને ગેરસમજ યથાવત છે. ઘણા લોકો માને છે કે, એક કરતા વધુ PPF ખાતા ખોલાવવાથી તેઓ વાર્ષિક રોકાણ મર્યાદા ઓળંગી શકે છે અને વધુ કર લાભો મેળવી શકે છે.
જો કે, સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. આ નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે, કોઈ વ્યક્તિ પોતાના નામે ફક્ત એક જ PPF ખાતું ખોલાવી શકે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના 2019 અનુસાર, કોઈપણ વ્યક્તિ ફોર્મ 1 ભરીને PPF ખાતું ખોલી શકે છે. જો કે, એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, વ્યક્તિના નામે ફક્ત એક જ ખાતું માન્ય રહેશે, પછી ભલે તે બેંકમાં હોય કે પોસ્ટ ઓફિસમાં. આ યોજના હેઠળ બહુવિધ વ્યક્તિગત PPF ખાતા ખોલવાની મંજૂરી નથી. વધુમાં, PPF હેઠળ સંયુક્ત ખાતા ખોલવાની પણ મંજૂરી નથી. આ નિયમો નાણા મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય બચત સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવ્યા છે.
જો કોઈ વ્યક્તિ અલગ અલગ બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં PPF ખાતા ખોલાવે છે, તો તેને વધારાના લાભો મળશે નહીં. PPF ખાતા PAN સાથે જોડાયેલા હોય છે. તેથી, ચકાસણી અથવા પરિપક્વતા દરમિયાન બહુવિધ ખાતા શોધી શકાય છે. જો બહુવિધ ખાતા મળી આવે, તો વધારાના ખાતા અમાન્ય ગણી શકાય. આવા ખાતાઓમાં જમા કરાયેલ રકમ વ્યાજ વિના પરત કરી શકાય છે, અને ફક્ત એક જ ખાતું ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે.
નિયમો અનુસાર, વ્યક્તિ તેમના સગીર બાળક અથવા માનસિક રીતે અક્ષમ વ્યક્તિ માટે PPF ખાતું ખોલી શકે છે. જો કે, બાળકના નામે પણ ફક્ત એક જ PPF ખાતું ખોલી શકાય છે. આનો અર્થ એ છે કે અન્ય વાલી એક જ બાળકના નામે અલગ PPF ખાતું ખોલી શકતો નથી.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના નિયમો અનુસાર, નાણાકીય વર્ષ દીઠ લઘુત્તમ થાપણ રૂપિયા 500 છે અને નાણાકીય વર્ષ દીઠ મહત્તમ થાપણ રૂપિયા 1.5 લાખ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ રૂપિયા 1.5 લાખની મર્યાદા એકંદરે લાગુ પડે છે. PPF યોજનાનો ઉદ્દેશ્ય શિસ્તબદ્ધ લાંબા ગાળાની બચતને પ્રોત્સાહન આપવાનો છે. તેથી, એક નિશ્ચિત રોકાણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પ્રતિ વ્યક્તિ ફક્ત એક જ ખાતાને મંજૂરી આપવાથી કર લાભોનો દુરુપયોગ અટકાવે છે અને યોજના સરળ રહે છે. જો કોઈ રોકાણકાર PPF મર્યાદા કરતાં વધુ બચત કરવા માંગે છે, તો તેમણે અન્ય લાંબા ગાળાના રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવાની જરૂર પડશે.