
શેરમાર્કેટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2000 પછી પહેલી વાર, એટેલે કે 26 વર્ષમાં પહેલી વાર, નિફ્ટી IT Index એક જ મહિનામાં 20% ઘટી ગયો છે. એપ્રિલ 2000 દરમિયાન ડોટ-કોમ બબલ ફાટતાં લગભગ 30%નો ધડાકેદાર ઘટાડો થયો હતો, અને હાલની પરિસ્થિતિ તેની યાદ અપાવે છે.
આજે પણ વૈશ્વિક મંદીનો ભય, યુએસ અને યુરોપમાં આઈટી ખર્ચમાં ઘટાડો, અને ક્લાયન્ટ કંપનીઓ દ્વારા કેપેક્સ કાપવાના નિર્ણયોના કારણે ઓર્ડર બુક પર દબાણ છે. “કોરોના યુગ” દરમિયાન ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના વધારાને કારણે IT કંપનીઓને વિશાળ વેલ્યુએશન મળ્યા હતા, પરંતુ હવે વૃદ્ધિ દર સામાન્ય થઈ રહ્યો છે. બજાર ભવિષ્યની કમાણીમાં ધીમી ગતિની શક્યતા ભાંપી રહ્યું છે, જેના કારણે તેજીથી પ્રાઈસ કરેક્શન જોવા મળે છે.
AI (Artificial Intelligence)નો પ્રભાવ દ્વિધારી તલવાર જેવો છે. એક તરફ AI automation થી પરંપરાગત IT સર્વિસ મોડેલ પર દબાણ છે, કારણ કે ઓછી માનવશક્તિથી વધુ કામ થઈ શકે છે. બીજી તરફ, AI-સંબંધિત પ્રોજેક્ટ્સ અને ક્લાઉડ, સાયબર સિક્યુરિટી, ડેટા એનાલિટિક્સ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થઈ રહી છે. રોકાણકારો હાલમાં એ જોતા થયા છે કે કંપનીઓની બેલેન્સ શીટ કેટલી મજબૂત છે – કેશ રિઝર્વ, દેવું, અને ઓપરેટિંગ માર્જિન કેવી છે. જેમની બેલેન્સ શીટ મજબૂત છે અને ફ્રી કેશ ફ્લો સારો છે, તેઓ લાંબા ગાળે વધુ સ્થિર રહી શકે છે, જ્યારે ઊંચી વેલ્યુએશન ધરાવતી પરંતુ ધીમી વૃદ્ધિ બતાવતી કંપનીઓ પર વધારે દબાણ રહે છે.
ટેક્નિકલ રીતે જોવામાં આવે તો 30054 નો સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ સપોર્ટ છે, અને તે તૂટે તો વેચવાલી વધુ તેજ થઈ શકે છે. જે માત્ર 350 પોઈન્ટ દૂર છે, અને તે આ અઠવાડિયે તેને સરળતાથી તોડી શકે છે.
તેના પછી 26184 પર મજબૂત સપોર્ટ છે — આ સ્તર અગાઉ લાંબા ગાળાના કન્સોલિડેશન દરમિયાન મજબૂત ડિમાન્ડ ઝોન તરીકે કામ કરી ચૂક્યું છે. જો ઈન્ડેક્સ અહીં સુધી આવે અને વોલ્યુમ સાથે સ્ટેબિલાઈઝ થાય, તો લાંબા ગાળાના રોકાણકારો માટે તબક્કાવાર ખરીદીની તક બની શકે. પરંતુ જો વૈશ્વિક સંજોગો વધુ ખરાબ થાય, તો સપોર્ટ તૂટવાની શક્યતા પણ નકારી શકાય નહીં. તેથી હાલનો સમય સાવચેતી, જોખમ સંચાલન અને ગુણવત્તાવાળી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
Published On - 12:11 pm, Tue, 24 February 26