
શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વની માહિતી સામે આવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને 15 જાન્યુઆરીએ બંધ રહેશે. આ જાણકારી સોમવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
આ અચાનક રજાનું કારણ મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલી મ્યુનિસિપલ ચૂંટણીઓ છે. 15 જાન્યુઆરીએ મુંબઈ સહિત રાજ્યની અનેક નગરપાલિકાઓમાં મતદાન યોજાનાર હોવાથી શેરબજારમાં ટ્રેડિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
BSE દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, 15 જાન્યુઆરીએ ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્સ, કોમોડિટી માર્કેટ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. વધુમાં, BSE એ સ્પષ્ટ કર્યું છે કે જે ઇક્વિટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ 15 જાન્યુઆરીએ સમાપ્ત થવાના હતા, તે હવે 14 જાન્યુઆરીએ જ એક્સપાયર થશે.
બીજી તરફ, NSE એ પણ પોતાના અગાઉના પરિપત્રમાં સુધારો કર્યો છે. NSE અનુસાર, 15 જાન્યુઆરીએ મૂડી બજાર સેગમેન્ટ તેમજ ઇક્વિટી અને ડેરિવેટિવ્સ (A&O) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ કરવામાં આવશે નહીં.
ગયા વર્ષે BSE અને NSE દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદીમાં 15 જાન્યુઆરીનો સમાવેશ ન હતો. ત્યારે જાન્યુઆરી મહિનામાં ફક્ત 26 જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાક દિનના દિવસે જ શેરબજાર બંધ રહ્યું હતું.
આ વર્ષે હોળીના તહેવારને કારણે 3 માર્ચે શેરબજાર બંધ રહેશે. માર્ચ મહિનામાં રામ નવમીના દિવસે પણ કોઈ ટ્રેડિંગ નહીં થાય. 3 એપ્રિલે ગુડ ફ્રાઇડેના કારણે BSE અને NSE બંધ રહેશે.
એપ્રિલ મહિનામાં 14 તારીખે પણ શેરબજારમાં કોઈ લેવડદેવડ નહીં થાય. 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને 28 મેના રોજ બકરી ઈદના કારણે શેરબજાર બંધ રહેશે.
આ ઉપરાંત, 26 જૂને મુહર્રમ, 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, 20 ઓક્ટોબરે દશેરા અને 10 નવેમ્બરે દિવાળીના દિવસે પણ કોઈ ટ્રેડિંગ નહીં થાય. 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતી અને 25 ડિસેમ્બરે નાતાલના તહેવારને કારણે શેરબજાર બંધ રહેશે.