
ગેરંટી વિના લોન મેળવવાની શક્યતા વધારવા માટે કેન્દ્ર સરકાર મોટી યોજના લાવી રહી છે. નાણા મંત્રાલયે ₹2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપી છે અને હવે આ પ્રસ્તાવ ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ થવાની શક્યતા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ને સરળતાથી બેંક લોન ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ પોતાના વ્યવસાયને વિસ્તારી શકે.
નાણા મંત્રાલય દ્વારા આ યોજનાને લઈને કેબિનેટ નોટ તૈયાર કરી દેવામાં આવી છે. મંત્રાલયો વચ્ચેની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે અને હવે કેબિનેટ સ્તરે અંતિમ નિર્ણય લેવાશે તેવી અપેક્ષા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, ખર્ચ નાણાકીય સમિતિ (EFC) એ પહેલેથી જ આ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના ખાસ કરીને MSME, એરલાઇન્સ અને અન્ય એવા ક્ષેત્રોને મદદરૂપ થશે જે હાલ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે નાણાકીય દબાણનો સામનો કરી રહ્યા છે.
EFC ની મંજૂરી એ સૂચવે છે કે યોજનાની રૂપરેખા, નાણાકીય અસર અને તેની ડિઝાઇનની સંપૂર્ણ સમીક્ષા થઈ ચૂકી છે. કેબિનેટમાં રજૂ થવા પહેલા આ એક મહત્વપૂર્ણ તબક્કો છે. EFC સામાન્ય રીતે સરકારના મોટા ખર્ચ સંબંધિત પ્રસ્તાવોનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ મોકલે છે.
આ યોજના મૂળ રૂપે COVID-19 દરમિયાન શરૂ કરવામાં આવેલી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) ના વિસ્તરણ તરીકે આવી શકે છે. તે સમય દરમિયાન MSME ક્ષેત્રને સહારો આપવા માટે આ યોજના ખૂબ અસરકારક સાબિત થઈ હતી. હવે, નવી યોજના પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થીર પરિસ્થિતિઓને કારણે ઉભા થયેલા નાણાકીય દબાણને ઘટાડવા માટે બનાવવામાં આવી રહી છે.
સરકાર આ ₹2.5 લાખ કરોડના ફંડનો ઉપયોગ પુરવઠામાં આવેલા વિક્ષેપો, વધતા ઉત્પાદન ખર્ચ અને વૈશ્વિક અનિશ્ચિતતાથી ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે કરવા માગે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાણાકીય તણાવને કારણે ઉદ્યોગો લોન ચૂકવવામાં નિષ્ફળ ન જાય અને તેમને સમયસર નાણાકીય સહાય મળી રહે.
ખાસ કરીને ઉડ્ડયન ક્ષેત્ર પર પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. વધતા ઇંધણના ભાવ અને વૈશ્વિક તણાવને કારણે એરલાઇન ઉદ્યોગ મુશ્કેલીમાં છે. આ સાથે આયાત પર આધારિત MSME અને અન્ય વ્યવસાયો પણ પ્રવાહિતાની અછતનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ નવી ક્રેડિટ ગેરંટી યોજના તેમને મોટો રાહત આપશે તેવી અપેક્ષા છે.
ભારતના હાથે લાગ્યો તેલનો નવો ખજાનો! Oil India ને લીબિયામાં કર્યો કમાલ