
આજના સમયમાં દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક નાની ઉંમરથી જ પૈસાની કિંમત સમજે અને બચત કરવાની સારી ટેવ કેળવે. વાલીઓની આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દેશની કેટલીક મોટી અને પ્રતિષ્ઠિત બેંકો બાળકો તેમજ કિશોરો (ટીનેજર્સ) માટે ખાસ ‘ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ’ની સુવિધા આપી રહી છે. આ ખાતાઓની મદદથી બાળકો માત્ર પોતાની પોકેટ મની કે સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટની રકમને સુરક્ષિત રાખી શકતા નથી, પરંતુ ડિજિટલ બેંકિંગના આ યુગમાં નાણાકીય વ્યવહારોની શરૂઆતી સમજ પણ મેળવી શકે છે.
આ એકાઉન્ટ્સમાં વાલીઓ માટે પેરેન્ટલ કંટ્રોલ, ડેબિટ કાર્ડ, મોબાઇલ બેંકિંગ અને ખર્ચ કરવાની દૈનિક મર્યાદા જેવી શ્રેષ્ઠ સુવિધાઓ મળે છે, જેથી વાલીઓ બાળકોની આર્થિક પ્રવૃત્તિઓ પર સરળતાથી નજર રાખી શકે છે.
કોટક મહિંદ્રા બેંક બાળકો માટે ‘કોટક માય જુનિયર એકાઉન્ટ’ (Kotak My Junior Account) ની સુવિધા આપે છે. આ ખાતું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં કોઈ લઘુત્તમ બેલેન્સ (મિનિમમ બેલેન્સ) રાખવાની માથાકૂટ હોતી નથી. બાળકોને આ ખાતા સાથે પર્સનલાઈઝ્ડ જુનિયર ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટ નક્કી કરેલી હોય છે. આ ઉપરાંત આ ખાતામાં જમા રકમ પર વ્યાજની સાથે શોપિંગ, ફૂડ અને એજ્યુકેશન સાથે જોડાયેલી ઘણી ખાસ ઓફર્સ પણ મળે છે.
બેંક ઓફ બરોડાનું ‘બરોડા ચેમ્પ એકાઉન્ટ’ (Baroda Champ Account) બાળકો માટે ખૂબ જ લોકપ્રિય છે. 18 વર્ષ સુધીના બાળકો માટેના આ ખાતામાં પણ ઝીરો બેલેન્સની સુવિધા મળે છે. આ ખાતાની ખાસિયત એ છે કે તેના દ્વારા સ્કૂલની ફી ભરવા પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી અને ફી જમા કરાવવા માટે દર મહિને એક ફ્રી ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પણ આપવામાં આવે છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આકર્ષક થીમ આધારિત રૂપે ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ મળે છે. આ ખાતામાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની રકમ રાખી શકાય છે.
ઇન્ડસઇન્ડ બેંક બાળકોમાં સેવિંગ્સની આદત વધારવા માટે ‘ઇન્ડસ યંગ સેવર એકાઉન્ટ’ (Indus Young Saver Account) ઓફર કરે છે. આ એકાઉન્ટ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ છે. બાળક પોતે અથવા વાલીની દેખરેખ હેઠળ આ ખાતું ઓપરેટ કરી શકે છે. આ એકાઉન્ટ સાથે કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડ, ઓનલાઇન શોપિંગની સુવિધા અને પર્સનલાઇઝ્ડ ચેકબુક જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
એચડીએફસી બેંકનું ‘કિડ્સ એડવાન્ટેજ એકાઉન્ટ’ (Kids Advantage Account) પણ એક આકર્ષક વિકલ્પ છે. આમાં મજબૂત પેરેન્ટલ કંટ્રોલ સાથે ડેબિટ કાર્ડ અને ચેકબુક મળે છે. વાલીઓ બાળકના રોજિંદા ખર્ચની મર્યાદા જાતે નક્કી કરી શકે છે અને તમામ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી શકે છે. એટીએમ ઉપાડ, એસએમએસ એલર્ટ અને નેટ બેંકિંગ સિવાય આ ખાતા સાથે બેંક દ્વારા એજ્યુકેશન ઇન્સ્યોરન્સ કવર (શિક્ષણ વીમો) પણ આપવામાં આવે છે, જેથી કોઈ અણધારી દુર્ઘટનાના સમયે બાળકના ભણતર પર આર્થિક સંકટ ન આવે.
આઈડીબીઆઈ બેંકનું ‘કિડ્સ સેવિંગ એકાઉન્ટ’ (Kids Saving Account) બાળકો માટે ખાસ ડિઝાઇન કરેલા એટીએમ કાર્ડ, ચેકબુક અને અન્ય બેંકિંગ સુવિધાઓ સાથે આવે છે. જો કે આ ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ (મિનિમમ એવરેજ બેલેન્સ) રાખવાની શરત લાગુ પડે છે, પરંતુ બાળકોને બેંકિંગ સિસ્ટમ અને બચતના પાઠ શીખવવા માટે આ એક ઘણો ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શકે છે. બાળકો બિનજરૂરી ખર્ચ ન કરે તે માટે આમાં પણ એટીએમ વિથડ્રોઅલની લિમિટ નક્કી હોય છે.
નાણાકીય નિષ્ણાતોના મતે, બાળકોને નાની ઉંમરથી જ બેંકિંગ વ્યવહારો અને બચતની આદત શીખવવી તેમને ભવિષ્યમાં આર્થિક રીતે જવાબદાર અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. ડિજિટલ યુગમાં આવા સેવિંગ એકાઉન્ટ્સ બાળકોને સુરક્ષિત રીતે નાણાંનું સંચાલન શીખવવાની સુવર્ણ તક પૂરી પાડે છે.