MONEY9: કદાચ કોરોના અટકી જશે પણ મોંઘવારી નહીં !

| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:10 PM

મોંઘવારીની ત્રીજી લહેર આવી રહી છે. તેલ, સાબુ, ટુથપેસ્ટથી લઇને જીવનજરૂરી તમામ ચીજોના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં બે વાર વધી ચૂક્યા છે. ત્રીજા વધારાનો શંખ પણ ફૂંકાઇ ચૂક્યો છે.

મોંઘવારી (inflation)ની ત્રીજી લહેર આવવાની છે. તેલ, સાબુ, ટુથપેસ્ટથી લઇને જીવનજરૂરી તમામ ચીજોના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં બે વાર વધી ચૂક્યા છે. ત્રીજા વધારાનો શંખ પણ ફૂંકાઇ ચૂક્યો છે. નવેમ્બર અને જાન્યુઆરીમાં બે વાર ભાવ વધાર્યા પછી FMCG, હેલ્થકેર, બ્યૂટી પ્રોડકટ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ ફરી ભાવ વધારવા (price rise) જઇ રહી છે. કારણ પણ જુનું ને જાણીતું છે. મોંઘો કાચો માલ અને તેના કારણે કંપનીઓના માર્જિન પર વધતું દબાણ.

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એમ્પ્લોઇઝ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ એરિક બ્રેગાંઝાનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો પાછો ઠેલાઇ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીએ ફેસ્ટિવલ સીઝનમાં ડિમાંડને અસર ન થાય એટલે કિંમત વધારવાનો આઇડિયા થોડાક સમય માટે મુલતવી રાખ્યો હતો. પરંતુ હવે તેને વધુ ટાળી શકાય તેમ નથી. ચાલુ ક્વાર્ટરમાં કિંમતમાં 5 ટકાનો વધારો થશે. જેનો અર્થ એ છે કે ગરમી શરૂ થયા પહેલાં કૂલર અને એસીનું બજાર ગરમ થઇ જશે.
ઓરિએન્ટ ઇલેક્ટ્રિકના બિઝનેસ હેડ સલિલ કપૂર કહે છે કે પ્લાસ્ટિક, સ્ટીલ અને કૉપરના ભાવ વધ્યા છે એટલે કંપની પોતાની બધી પ્રોડકટ્સના ભાવ 4 થી 7% સુધી વધારવાની છે.

બિસ્કિટ, નમકીન, તેલ, સાબુ બનાવતી FMCG કંપનીઓ પણ લાઇનમાં છે. બિસ્કિટ બનાવતી દિગ્ગજ કંપની બ્રિટાનિયા ચોથીવાર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. કંપની માર્ચ સુધી કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. કંપનીનું કહેવું છે કે ખાંડ, ઘઉં, પામ ઓઇલ જેવા કાચા માલ મોંઘા થઇ ગયા છે, તેથી મજબૂરીમાં અમારે ભાવ વધારવા પડશે.

કંપનીઓનો વેપાર ઘટ્યો પણ નફો વધ્યો !
કંપની 2021-22ના પહેલા ક્વાર્ટરમાં 1%, બીજા ક્વાર્ટરમાં 4% અને ત્રીજા ક્વાર્ટરમાં 8% ભાવ વધારી ચુકી છે. એટલે કે દરેક ક્વાર્ટરમાં ભાવ વધ્યા છે. આ જ કારણ છે કે FMCG કંપનીઓના વોલ્યુમ ઘટવા છતાં નફો વધી રહ્યો છે. વોલ્યુમ ઘટવું એટલે કંપનીઓના માલનું ઓછું વેચાણ થવું. અત્યારે સૌથી વધારે ચિંતા તો ગામડાઓની છે. અહીં આવક ઘટવાથી માંગ પર વધારે અસર થઇ છે.

બીજી બાજુ ડાબર ઇન્ડિયાના CEO મોહિત મલ્હોત્રા કહે છે કે,”કંપનીએ મોંઘવારીની અસરને ઘટાડવા માટે બધી પ્રોડક્ટ્સ રેન્જની કિંમતો વધારી છે.” હેલ્થકેર પોર્ટફોલિયોમાં કંપનીએ હનીટ્સ, પુદીન હરા અને ચ્યવનપ્રાશની કિંમત 10 ટકા સુધી વધારી છે. હવે કંપની ફરી એકવાર કિંમત વધારવા જઇ રહી છે.

બ્યૂટી પ્રોડક્ટ્સના માર્કેટને પણ જાણે કે મોંઘવારીની નજર લાગી ગઇ છે. દુનિયાની સૌથી મોટી બ્યૂટી પ્રોડક્ટ કંપની લૉરિયલ (L’Oreal) માટે પેટ્રોકેમિકલ્સ સાથે જોડાયેલા કાચા માલની મોંઘવારી માથાનો દુઃખાવો બની ગઇ છે. કંપનીનું કહેવું છે કે મોંઘવારી વધવાનો ટ્રેન્ડ એક મોટી ચિંતાનો વિષય છે. લૉરિયલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત જૈન કહે છે કે “ ગયા વર્ષે પ્રાઇસ હાઇકનો એક રાઉન્ડ થઇ ચૂક્યો છે અને હવે બીજો રાઉન્ડ આ વર્ષે મધ્ય સુધીમાં પૂર્ણ થશે” અનુમાન છે કે કંપની 5 થી 6 ટકા સુધી ભાવ વધારી શકે છે.

એટલે કે ખાણી-પીણી, સાજ-સજાવટ, કુકિંગ અને કરિયાણા સહિત બધુ જ મોંઘવારીની આગમાં શેકાવાનું છે અને આ જ RBIની સૌથી મોટી ચિંતા છે.

આ પણ વાંચોઃ

MONEY9: શું શેર બજાર જોખમી લેવલે પહોંચી ગયું છે ?

Published on: Feb 18, 2022 07:08 PM