Bank Strike in March 2022: આજે 28 અને આવતીકાલે 29 માર્ચના રોજ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળ(Bank Strike)બેંકોના કામકાજને અસર કરી શકે છે. બેંક કર્મચારી યુનિયનના એક વર્ગે સોમવાર અને મંગળવારે હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે સરકારની જનવિરોધી આર્થિક નીતિઓ અને શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ સંહિતા નાબૂદ કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ બંધ કરવું, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP) નાબૂદ કરવું, મનરેગા હેઠળ વેતનની ફાળવણીમાં વધારો કરવો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ કહ્યું, “અમે હડતાળના આ કોલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે બેંકિંગ ક્ષેત્રની માંગણીઓને સંબોધવા માટે હડતાળમાં જોડાઈ રહ્યા છીએ.”
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે બેંક યુનિયનની માંગ છે કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ બંધ કરે અને તેમને મજબૂત કરે. આ ઉપરાંત અમે માંગ કરીએ છીએ કે દેવાની વસૂલાત ઝડપી કરવામાં આવે, બેંક થાપણો પર વ્યાજ વધારવામાં આવે, સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.
જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જણાવ્યું છે કે હડતાલની તેની સેવાઓ પર મર્યાદિત અસર પડી શકે છે. SBIએ કહ્યું કે તેણે તેની તમામ શાખાઓ અને ઓફિસોમાં સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.
પંજાબ નેશનલ બેંક (PNB) એ જણાવ્યું છે કે AIBEA, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) એ 28 અને 29 માર્ચે હડતાળની સૂચના આપી છે. બેંગલુરુમાં મુખ્યમથક ધરાવતી કેનેરા બેંકે પણ કહ્યું છે. હડતાલને કારણે સામાન્ય બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે.