
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ કંપની સાથે જોડાયેલા 13 બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. આ તમામ ખાતામાં મળીને ₹54.82 કરોડ હતા. એજન્સીનો આરોપ છે કે કંપનીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) પાસેથી મળેલા હાઇવે બાંધકામના ભંડોળનો ગેરઉપયોગ કર્યો હતો.
EDએ જણાવ્યું છે કે આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999ની કલમ 37A હેઠળ થઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ બેંક ખાતાઓમાં શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનનો સોર્સ નિયમિત ન હોવાના કારણે EDએ તમામ ખાતાઓ જપ્ત કરી દીધા.
તપાસમાં ખુલ્યું છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે તેના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ (SPV) મારફતે જાહેર ભંડોળને ડાયવર્ટ કર્યું હતું. EDના જણાવ્યા મુજબ, કંપનીએ કેટલાક કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી ‘શેલ કંપનીઓ’ સાથે નકલી સબ-કોન્ટ્રાક્ટિંગ કરાર દર્શાવ્યા હતા.
આ શેલ કંપનીઓને ચુકવાયેલું ભંડોળ બાદમાં ગેરકાયદેસર રીતે વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એટલે કે, જે પૈસા ભારતીય હાઇવે બનાવવા માટે મળ્યા હતા, તે શંકાસ્પદ માર્ગે દેશ બહાર લઈ જવામાં આવ્યા.
EDએ ગયા મહિને અનિલ અંબાણીને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર રહ્યા ન હતા. તપાસ હવે મેનેજમેન્ટના ઉચ્ચ સ્તર સુધી પહોંચી ગઈ છે. કંપની તરફથી આ સમગ્ર મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.