Budget 2022: મધ્યમ કદના એકમના કારોબારી મનમોહનને શું જોઈએ? બસ સસ્તો કાચો માલ…

| Edited By: | Updated on: Jan 25, 2022 | 2:30 PM

માનેસરમાં રહેતાં મનમોહન ત્રીજી પેઢીનાં ધંધાર્થી છે. 1997માં તેમનો પરિવાર માનેસર આવી ગયો હતો. તેમણે સ્થાપેલું એકમ માનેસરનું સૌથી જૂનું મધ્યમ કદનું એકમ ગણાય છે. હોમ ફર્નિશિંગ પ્રોડક્ટ્સ અને મોંઘા ડિઝાઈનર કપડાંનો ધંધો કરે છે મનમોહન

માર્ચ 2020માં લૉકડાઉન લાગુ થયું અને તેમનો ધંધો બંધ થઈ ગયો. કોવિડ પહેલાં મનમોહન લગભગ 150 લોકોને રોજગારી આપતા હતા જ્યારે પરોક્ષ રીતે 70-80 લોકોને રોજગારી આપતાં હતા. આ લોકો કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં હતા, પરંતુ ધંધો બંધ થયો એટલે
કર્મચારીઓની સંખઅયા પણ ઘટીને 80 થઈ ગઈ.

આઉટસોર્સિંગ તો બંધ જ થઈ ગયું. તેમના હોમ ફર્નિશિંગ પ્રોડક્ટ્સની નિકાસ  (Export) અમેરિકા અને યુરોપમાં થાય છે. દુનિયાભરમાં લોકડાઉન હતું, એટલે તેમની નિકાસ પણ બંધ થઈ ગઈ. સ્થિતિ થોડીક સુધરી તો, મનમોહનના ધંધાની ગાડી પણ પાટે ચઢવા લાગી.

ત્રણ પેઢીથી કારોબાર કરી રહેલા મનમોહનના પરિવારે કોવિડ સામે બાથ તો ભીડી લીધી અને કારોબારને બચાવી તો લીધો. પરંતુ કારોબારની સિસ્ટમ ખોટકાઈ ગઈ.

તેમણે યુનિટ તો ફરીથી શરૂ કરી દીધું પરંતુ જેટલા લોકોને રોજગાર આપતાં હતાં તેટલા લોકોને ફરીથી રોજગાર ન આપી શક્યા. સરકારનો તાજા ત્રિમાસિક રોજગાર સરવે દર્શાવે છે કે, ભારતમાં લગભગ 92 ટકા કંપનીઓમાં 100 કરતાં પણ ઓછા કર્મચારી છે. તેમાંથી 70 ટકા કંપનીમાં તો 40થી પણ ઓછા કર્મચારી છે અને સૌથી વધુ કંપનીઓ સર્વિસ સેક્ટરમાં છે.

100-200 કર્મચારીને રોજગાર આપતાં હોય તેવા મનમોહન જેવા ઉદ્યમીની સંખ્યા તો માત્ર 4 ટકા છે. 200થી 500 કર્મચારીને રોજગારી આપતી હોય તેવી કંપનીઓની સંખ્યા માત્ર 2.8 ટકા છે અને 500થી વધારે કર્મચારી હોય તેવી કંપનીની સંખ્યા માત્ર 1.4 ટકા છે.

મેકિન્સીના અભ્યાસ પ્રમાણે, ભારતમાં એક ટ્રિલિયન ડોલર જીડીપી દીઠ માત્ર 1,500 કંપનીઓ એવી છે, જેને મધ્યમ કદની કહી શકાય, ભારત જેવા જ બીજા દેશોમાં આવી કંપનીઓનું પ્રમાણ બે ગણું છે. સામાન્ય રીતે, મધ્યમ કંપની જ મોટી કંપની બની શકે છે.

ભારતના હરીફ અર્થતંત્રોમાં મધ્યમ કદની કંપનીઓની સંખ્યા મોટી કંપનીઓ કરતાં 1.6 ગણી વધારે છે. એટલે કે એવી કંપનીઓ જેનું ટર્નઓવર 4 થી 200 મિલિયન ડોલરનું હોય.

મનમોહને ભલે તેનો બિઝનેસ બચાવી લીધો, પરંતુ વધારે લોકોને રોજગારી આપવાની તેમની ક્ષમતા તૂટી ગઈ છે. 200 જેટલાં કર્મચારી કામ કરતાં હોય તેવી મધ્યમ કદની કંપનીઓ પર કોવિડની ગંભીર અસર પડી છે.

માત્ર માનેસરની જ વાત કરીએ તો, કોવિડ પહેલાં ત્યાંનાં અલગ-અલગ એકમો લગભગ 2 લાખ લોકોને રોજગારી આપતા હતા. સ્થિતિ સુધરી હોવા છતાં આજે આ આંકડો સવા લાખથી દોઢ લાખની વચ્ચે છે.

મનમોહન જણાવે છે કે, જો કોવિડ મહામારી ના આવી હોત તો, માનેસરમાં જ કર્મચારીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ હોત. તેઓ કહે છે કે, સમય હવે ખૂબ જ પડકારજનક છે. નાના એકમોની સમસ્યા ટકી રહેવાની છે જ્યારે મધ્યમ કદની કંપનીઓની સમસ્યા અલગ જ છે.

તેમની પાસે આગળ વધવાનો વિકલ્પ છે, વિસ્તરણ કરવાની ક્ષમતા છે પરંતુ કોવિડના ઝટકાને કારણે આ કંપનીઓ બજારનો એક મોટો હિસ્સો ગુમાવી રહી છે. એક તરફ મોટી કંપનીઓ તેજીથી ટેકઓવર કરીને બજાર પર કબજો જમાવી રહી છે તો બીજી તરફ આયાત સસ્તી હોવાથી વિતરકો વિદેશથી માલ મંગાવવા લાગ્યા છે.

ગયા બજેટમાં નાના એકમોને સસ્તામાં લોન આપીને મદદ કરવામાં આવી અને મોટા એકમોને ટેક્સમાં રાહત આપવામાં આવી. પરંતુ જે સૌથી વધુ રોજગારી પેદા કરે છે, તેવી મધ્યમ કદની કંપનીઓને કોઈ સીધી મદદ મળી હોત તો, આટલી બેકારી ઊભી ના થઈ હોત.

મનમોહન કહે છે કે, યુરોપમાં મધ્યમ કદની કંપનીઓને સરકારે ગ્રાન્ટ આપી હતી અને રોજગારી બચાવી લીધી. ભારતમાં પણ આવું થવાની જરૂર હતી. મનમોહન કહે છે કે, સરકાર મધ્યમ કદના એકમોને ગ્રાન્ટ કેમ નથી આપતી? જો સરકાર આજે થોડાક પૈસા ગ્રાન્ટ તરીકે આવા એકમોને આપે તો નોકરીઓ મળશે, ધંધા ધમધમશે અને સરકારને અનેક ગણો ટેક્સ પણ મળશે.

બેન્કમાંથી લોન અંગે તેઓ મિશ્ર અનુભવ ધરાવે છે. તેમનું કહેવું છે કે, કોવિડને કારણે બેન્કોને બિઝનેસના ભવિષ્યને લઈને સહમત કરવાનું અઘરું થઈ ગયું છે. એટલે કે, ઋણ મેળવવું હવે સહેલું નથી. મનમોહન કહે છે કે, બેન્કરપ્સી કાયદાનો ફાયદો મધ્યમ કદની કંપનીઓને કેમ નથી મળતો? આ કાયદો માત્ર મોટી કંપનીઓ માટે જ કેમ છે ?

કોવિડને લીધે મનમોહનનો ધંધો પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. મોટી કંપનીઓ હવે વધારે શક્તિશાળી બની ગઈ છે. તેમણે કાચા માલની કિંમતોમાં મનફાવે તેવો વધારો ઝીંકી દીધો છે અને તેના કારણે નાના ધંધાર્થીઓના માથે ખર્ચનો બોજ વધી ગયો છે.

મધ્યમ કદની કંપનીઓ માટે કારોબાર કરવાનો ખર્ચ જ સૌથી મોટી સમસ્યા છે. કોવિડ પછી તો કાચા માલની કિંમતોમાં જબરજસ્ત વધારો થયો છે, અને તેના કારણે ભવિષ્યની બિઝનેસની યોજનાઓ ખોરવાઈ ગઈ છે. સરકાર કંઈ પણ કરે, પણ ખાલી કાચો માલ તો સસ્તો કરાવી આપે. કાચા માલના ભાવ 50થી 100 ટકા સુધી વધી ગયા છે અને આટલો ભાવવધારો કોઈ પણ રીતે વાજબી નથી.

મોટી કંપનીઓએ તો તેમની ખોટની ભરપાઈ કરી લીધી છે, પરંતુ મધ્યમ કદના એકમો માટે પોતાને ટકાવી રાખવાની માથાકૂટ વધી ગઈ છે. મનમોહનનું સપનું માત્ર એટલું જ છે કે, કાચો માલ સસ્તો થઈ જાય અને ટેક્સમાં થોડીક રાહત મળી જાય. જો આમ થાય તો, તેઓ રોજગાર પણ આપશે અને ઉત્પાદન પણ વધારશે.

આ પણ વાંચોઃ બજેટ 2022: બજેટ બનાવવાની સંપુર્ણ પ્રક્રિયા કેમ ગુપ્ત રખાય છે અને આ પ્રથા ક્યારે શરૂ થઈ? જાણવા માટે આ વીડિઓ જુઓ

આ પણ વાંચોઃ Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો

Published on: Jan 25, 2022 02:29 PM