Bhakti : એકાદશીએ શા માટે ન ખાવા જોઈએ ચોખા ? જાણો રહસ્ય, નહીં તો તમે બનશો પાપના ભાગીદાર
જે વ્યક્તિ કોઈપણ કારણથી એકાદશી વ્રત ન કરી શકે તેણે એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં તો સાત્વિકતાનું પાલન કરવું જ જોઈએ. ઉપવાસ કે એકટાણું શક્ય ન હોય તો પણ ચોખા ગ્રહણ કરવાનું તો ટાળવું જ જોઈએ.
Bhakti : એકાદશી (EKADASHI) એટલે તો પરમાત્માની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે. જે વર્ષે અધિક માસ હોય તે વર્ષે એકાદશીની સંખ્યા વધી જાય છે. અને કુલ એકાદશી 26 થઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતાર અને સ્વરૂપોનું ધ્યાન કરતા તેમની પૂજા કરવી જોઈએ.
બધા વ્રતોમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એ જ કારણ છે કે આ દિવસે ઘણાં લોકો ઉપવાસ કે એકટાણું કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઉપવાસ કે એકટાણું શક્ય ન હોય તો ઘણાં લોકો ભોજનમાં ભાત ગ્રહણ કરવાનું ટાળે છે. પણ, શું તમને એ ખબર છે કે એકાદશીએ શા માટે નથી ખાવામાં આવતા ભાત ? આવો, આજે જાણીએ તે રહસ્ય.
આપણાં શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર જે વ્યક્તિ કોઈપણ કારણથી એકાદશી વ્રત ન કરી શકે તેણે એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં તો સાત્વિકતાનું પાલન કરવું જ જોઈએ. સાત્વિકતાનું પાલન એટલે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા આરોગવા નહીં. જૂઠું ન બોલવું, દગો ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનનું સ્મરણ કરવું. આ સાથે જ એકાદશીના દિવસે ચોખા આરોગવા પણ વર્જિત મનાય છે. અને તેનું કારણ છે એક પૌરાણિક કથા.
પૌરાણિક કથા એક કથા અનુસાર દેવી આદિશક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ શરીરનો ત્યાગ કરી દીધો અને તેમનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો. ત્યારબાદ ચોખા અને જવના રૂપમાં મહર્ષિ મેધા જન્મ્યા. તેથી ચોખા અને જવને જીવ ગણવામાં છે ! જે દિવસે મહર્ષિ મેધાનો અંશ ધરતીમાં સમાઈ ગયો તે દિવસે એકાદશી તિથિ હતી. તેથી એકાદશીના દિવસે ચોખા ખાવું વર્જિત ગણાય છે. માન્યતા છે કે એકાદશીના દિવસે ચોખા ખાવા એ તો મહર્ષિ મેધાના માંસ અને લોહીના સેવન કરવા સમાન છે. એ જ કારણ છે કે આ દિવસે ચોખા ખાવાનો શાસ્ત્રોમાં નિષેધ છે.
વૈજ્ઞાનિક કારણ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ચોખામાં જળ તત્વનું પ્રમાણ વધારે હોય છે. જળ પર ચંદ્રનો પ્રભાવ વધારે પડે છે. કહે છે કે ચોખા ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. જેને લીધે મન ચંચળ બની જાય છે. મનની ચંચળતાને લીધે વ્રતના નિયમોનું પાલન કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. અગિયારસના વ્રતમાં મનનો સંયમ અને શુદ્ધ, સાત્વિક ભાવનું પાલન ખૂબ જ જરૂરી છે. એ જ કારણ છે કે એકાદશીના વ્રતમાં ચોખાને ગ્રહણ કરવા વર્જિત મનાય છે.
આ પણ વાંચો : એ શ્રાપ કે જેનાથી પોતાના પરમ સખા શ્રીકૃષ્ણને બચાવવા ખુદ દરિદ્ર થયા સુદામા ! મૈત્રી દિવસે જાણો મિત્રતાની અદભૂત કથા
આ પણ વાંચો : શું તમે જાણો છો આપણે હવનમાં ‘સ્વાહા’ કેમ બોલીએ છીએ ?