Bhakti: શા માટે મુખ્ય દ્વાર પર કરવામાં આવે છે સિંદૂરનું તિલક ? જાણો, સિંદૂરનું ધાર્મિક મહત્વ
સિંદૂરનો સંબંધ મન અને શરીર સાથે જોડાયેલો છે. માન્યતા અનુસાર તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જેનાથી તણાવ અને અનિંદ્રા જેવાં રોગ દૂર થાય છે. તો સાથે જ ચહેરા પર કરચલીઓ પણ નથી પડતી !
હિંદુ (hindu) પૂજાવિધિમાં સિંદૂર (sindoor) એક આગવું જ મહત્વ ધરાવે છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે સેંથામાં સિંદૂર લગાવતી હોય છે. તો હિંદુ પરંપરામાં ગજાનન શ્રીગણેશ અને હનુમાનજીને સિંદૂર લગાવવાનો તેમજ સિંદૂરી વાઘા અર્પણ કરવાનો મહિમા છે. ત્યારે આવો આજે જાણીએ કે આધ્યાત્મિક મહત્વ ધરાવતા સિંદૂરનું સત્ય શું છે ? અને તેનાથી જીવનમાં કેવાં પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.
સિંદૂરનું મહત્વ
પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ સાથે કેટલીક એવી માન્યતાઓ પણ છે જેના આધારે સિંદૂરની પ્રથા સદીઓથી ચાલી રહી છે. તેનો સંબંધ મન અને શરીર સાથે જોડાયેલો છે. શરીરના જે ભાગ પર સિંદૂર લગાવવામાં આવે છે તે બહુ જ કોમળ હોય છે. આ સ્થાનને બ્રહ્મરંધ્ર કહે છે.બ્રહ્મરંધ્ર એટલે મસ્તક પરનું છિદ્ર. જયાં પ્રાણ જતા બ્રહ્મજ્ઞાન મળે છે. સિંદૂરમાં પારો હોય છે. જે એક દવાનું કામ કરે છે. તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જેનાથી તણાવ અને અનિંદ્રા જેવાં રોગ દૂર થાય છે. સાથે જ ચહેરા પર કરચલીઓ નથી પડતી.
વાસ્તુ અનુસાર સિંદૂરનું મહત્વ
આપે જોયું હશે કે કેટલાક લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર સરસવનું તેલ અને સિંદૂર મિક્સ કરીને તિલક લગાવે છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે તો આ તિલક જરૂરથી જ કરવામાં આવે છે. શું તમે જાણો છો આ કરવા પાછળનું રહસ્ય ? વાસ્તુવિજ્ઞાન અનુસાર દરવાજા પર સિંદૂર અને તેલ લગાવવાથી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશી નથી શકતી. આ તિલક કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ દૂર થાય છે. જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઇએ તો પ્રવેશદ્વાર પર તેલ લગાવવાથી દરવાજો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એટલે જ મુખ્ય દ્વાર પર સિંદૂર લગાવવાની આ પરંપરા ચાલી રહી છે.
સિંદૂરના ફાયદા
⦁ સિંદૂર માનસિક તણાવથી મુક્ત કરે છે.
⦁ સિંદૂરનો લાલ રંગ શક્તિ અને સ્ફૂર્તિનું પ્રતિક છે.
⦁ આપને જણાવી દઇએ કે ભગવાન હનુમાનજીની પૂજા સિંદૂરથી જ કરવામાં આવે છે.
⦁ મંદિરોમાં ઘણાં દેવી દેવતાઓને પણ સિંદૂર લગાવવામાં આવે છે.
⦁ આપણાં દેશમાં કેટલાક તહેવારોમાં સિંદૂરદાનનું મહત્વ જોવા મળે છે. છઠ્ઠ પૂજા, નવરાત્રિ, ત્રીજ, કરવાચોથ જેવા તહેવારોમાં તો સ્ત્રીઓ ખાસ સેંથામાં સિંદૂર ભરતી જોવા મળે છે.
⦁ છઠ્ઠની પૂજામાં તો સ્ત્રીઓ મસ્તકથી લઇને નાક સુધી સિંદૂર લગાવે છે. તેની પાછળનું કારણ પતિનું દીર્ઘાયુષ્ય છે. સાથે જ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધતી હોવાની માન્યતા છે.
⦁ છઠ્ઠના તહેવારમાં સ્ત્રીઓ પીળા રંગનું સિંદૂર લગાવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત
આ પણ વાંચો : આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !