મૌની અમાસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસે શું કરવું અને શું ના કરવું
Mauni Amavasya 2024 : હિંદુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે તે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો મૌન વ્રત રાખે છે અને સ્નાન -ધ્યાન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે મૌની અમાવસ્યા શા માટે ઉજવવામાં આવે છે અને આ દિવસે શું કરવું જોઈએ, ચાલો જાણીએ તેના વિશે.

હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. માઘ માસમાં આવતી અમાસને મૌની અમાસ કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આ વખતે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવવાની છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો, તેથી મૌની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન બની જાય છે. આ દિવસે દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે. શાસ્ત્રો અનુસાર મનના દેવ ચંદ્રદેવ છે. અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મૌની અમાસ દિવસે મૌન પાળવામાં આવે છે.
મૌની અમાસ શા માટે ઉજવવામાં આવે છે?
મૌની અમાસ સાથે ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ જોડાયેલું છે. જ્યોતિષશાશ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે, ત્યારે મૌની અમાસ ઉજવવામાં આવે છે. ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઊર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે, તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાસ ઉજવવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે દાન કરવાથી અનેક ગણો ફાયદો થાય છે.
મૌની અમાસ દિવસે શું કરવું?
મૌની અમાસ પર સ્નાન કર્યા પછી તલ, તલના લાડુ, તલનું તેલ, આમળા, કપડા વગેરેનું દાન કરો. આ દિવસે ગરીબો, સાધુઓ, મહાત્માઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને ઊનના વસ્ત્રો જેવા કે ધાબળા વગેરેનું દાન કરો. આ દિવસે ગોળમાં કાળા તલ ભેળવીને લાડુ બનાવવા જોઈએ અને તેને લાલ કપડામાં બાંધીને દાન કરવા જોઈએ. આ દિવસે સ્નાન અને દાન વગેરે સિવાય પિતૃ શ્રાદ્ધ પણ કરવું જોઈએ.
મૌની અમાસ પર મહિલાઓએ પોતાના સૌભાગ્યને વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે નર્મદા, કાવેરી, ગંગા, સિંધુ અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ઘણી બધી ખામીઓ દૂર થાય છે.
મૌની અમાસ દિવસે શું ન કરવું?
મૌની અમાસ દિવસે સ્નાન કરતી વખતે કંઈપણ ન બોલવું અને સ્નાન કરતા પહેલા મૌન રહેવું. ઘરમાં મતભેદનું વાતાવરણ ન થવા દો. આ દિવસે ઝઘડા અને વિવાદથી દૂર રહેવું જોઈએ. આ દિવસે કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કડવી વાત ન બોલવી. આ દિવસે શરીર પર તેલ ન લગાવવું જોઈએ અને તેલથી માલિશ પણ કરવી જોઈએ નહીં.
મૌની અમાસ વ્રત રાખનારાઓએ આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો અને તામસિક ભોજન ન કરો. સવારે મોડે સુધી સૂવું નહીં અને સ્નાન કર્યા વિના ભોજન ન કરવું. અમાવસ્યા પર નિર્જન સ્થળો ન જવું.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
