ગણેશજીએ શા માટે પ્રગટ કર્યું હતું ત્રીજું નેત્ર ? જાણો કાશીના બડા ગણેશજીના ત્રિનેત્રનું રહસ્ય !

એકમાત્ર શિવ સિવાય ગણેશ જ એવાં દેવ છે કે જે ત્રીજું નેત્ર ધરાવે છે. માન્યતા અનુસાર આ ત્રીજું નેત્ર એકદંતને સ્વયં તેમના પિતા મહાદેવે જ પ્રદાન કર્યું હતું. અને એ જ ત્રિનેત્ર સાથે વક્રતુંડ કાશીમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 19, 2022 | 10:02 AM

કાશી એટલે તો શિવનગરી. કાશી એટલે તો મંદિરોની નગરી. મંદિરોની આ નગરીમાં અનેકવિધ દેવી-દેવતાઓ વિદ્યમાન થયા છે. અહીં મોટી સંખ્યામાં શિવ મંદિરો તો છે જ. પણ, સાથે જ અહીં અનેક ગણેશ મંદિર પણ પ્રસ્થાપિત છે. પરંતુ, તેમાં ‘56 વિનાયક’ના દર્શનનો સવિશેષ મહિમા છે. અને આ 56 વિનાયકમાં સર્વ પ્રથમ સ્થાન ધરાવે છે વારાણસીના ‘બડા ગણેશ’. આ બડા ગણેશની વિશેષતા એ છે કે તે કાશીની પાવની ભૂમિ પર સહ પરિવાર વિદ્યમાન થયા છે. એટલું જ નહીં, તેમને તો ત્રણ-ત્રણ નેત્ર પણ છે. ત્યારે આવો, આજે તેમના આ દિવ્ય સ્વરૂપનો મહિમા જાણીએ.

 

બડા ગણેશજીનું મંદિર એ વારાણસીના લોહટિયા વિસ્તારમાં આવેલું છે. જ્યાં સાંકડી ગલીઓમાંથી પસાર થઈ શ્રદ્ધાળુઓએ મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચવાનું રહે છે. અહીં મંદિરમાં સાડા પાંચ ફૂટ ઊંચી સિંદૂરી ગણેશ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેના દર્શન માત્રથી ભક્તો પરમશાંતિની અનુભૂતિ કરે છે.

 

મૂર્તિ પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર પૂર્વે ગંગા નદીની સાથે પાવની મંદાકીની પણ વારાણસીમાંથી પ્રવાહીત થતી હતી. ત્યારે લગભગ બે હજાર વર્ષ પૂર્વે તે બંન્ને નદીઓના સંગમ સ્થાનેથી જ આ ગણેશ પ્રતિમા મળી આવી. અને પછી તેના મૂળ પ્રગટ સ્થાન પર જ તેની પૂજા-અર્ચના થવા લાગી.

 

શા માટે ત્રણ નેત્ર ?

આ સ્થાનક સાથે જોડાયેલી સૌથી મહત્વની વાત એ છે કે આ બડા ગણેશજીએ તો ત્રણ -ત્રણ નેત્ર ધારણ કરેલાં છે. કહે છે કે સિંદુરાસુર નામના દૈત્યના વધ માટે શ્રીગણેશે ત્રીજું નેત્ર પ્રગટ કર્યું હતું. પછી એ જ નેત્ર ખોલીને તેમણે સિંદુરાસુરને ભસ્મીભૂત કરી દીધો. માન્યતા અનુસાર આ ત્રીજું નેત્ર એકદંતને સ્વયં તેમના પિતા મહાદેવે જ પ્રદાન કર્યું હતું. એકમાત્ર શિવ સિવાય ગણેશ જ એવાં દેવ છે કે જે ત્રીજું નેત્ર ધરાવે છે. જે રીતે તેમના ત્રિનેત્રથી વિઘ્નહર્તાએ સૃષ્ટિને સિંદુરાસુરથી મુક્તિ અપાવી તે જ રીતે બડા ગણેશના ત્રિનેત્ર ભક્તોના કષ્ટનું પણ જાણે શમન કરી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો: જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !

આ પણ વાંચો: તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">