સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

આખરે ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે, તેનું સાચું મહત્વ શું છે, તેની પાછળ કઈ પૌરાણિક ઘટનાઓ જોડાયેલી છે અને આ દિવસે વાસણો તેમજ નવી વસ્તુઓ ખરીદવાનો રિવાજ કેવી રીતે શરૂ થયો, તે દરેક બાબત જાણવી અત્યંત રસપ્રદ છે.

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો
| Updated on: Nov 06, 2026 | 6:14 PM

હિન્દુ સનાતન સંસ્કૃતિમાં દીપોત્સવી મહોત્સવનું એક અત્યંત વિશેષ અને પાવન મહત્વ છે. આ પાંચ દિવસીય પ્રકાશ પર્વની શુભ શરૂઆત ‘ધનતેરસ’ ના શુભ તહેવારથી થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ (ગુજરાતી વિક્રમ સંવત અનુસાર આસો વદ તેરસ) એ ધનતેરસનો આ પાવન ઉત્સવ અત્યંત શ્રદ્ધા, ભક્તિભાવ અને અતિ આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દીપાવલીના મુખ્ય તહેવારથી બરાબર બે દિવસ પહેલા મનાવવામાં આવતો હોવાથી બજારોમાં દિવાળી જેવી જ રોનક જોવા મળે છે. શાસ્ત્રોમાં આ દિવસનું આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વર્ષે આ પાવન પર્વ 6 નવેમ્બરના રોજ ઉજવાઈ રહ્યો છે. મોટાભાગના લોકો ધનતેરસને માત્ર ધન-દોલત અને સુખ-સમૃદ્ધિ સાથે સાંકળે છે, પરંતુ શાસ્ત્રો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસ પાછળ ગૂઢ પૌરાણિક કથાઓ અને ચિકિત્સા વિજ્ઞાનનો એક ઊંડો સંદર્ભ રહેલો છે.

સમુદ્ર મંથન અને ભગવાન ધનવંતરીનું દિવ્ય પ્રાગટ્ય (સંદર્ભ: શ્રીમદ ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર)

ધનતેરસ ઉજવવા પાછળનું સનાતન ધર્મમાં સૌથી મુખ્ય અને મહત્વપૂર્ણ કારણ ભગવાન ધનવંતરીનું પ્રાગટ્ય છે. પૌરાણિક માન્યતાઓ અને શ્રીમદ્ ભાગવત પુરાણ (અષ્ટમ સ્કંધ) તેમજ વિષ્ણુ પુરાણ (પ્રથમ અંશ) માં વિસ્તૃત રીતે વર્ણવ્યા મુજબ, કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ (ગુજરાતી વિક્રમ સંવત અનુસાર આસો વદ તેરસ)ના દિવસે જ દેવતાઓ અને દાનવો દ્વારા કરવામાં આવેલ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા.

સૃષ્ટિની રચના થયા પછી સમગ્ર જગતમાં ચિકિત્સા વિજ્ઞાનનો વિસ્તાર કરવા માટે જ ભગવાન વિષ્ણુએ ધનવંતરી અવતાર ધારણ કરીને જન્મ લીધો હતો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન ધનવંતરી સમસ્ત દેવતાઓના વૈદ્ય (ચિકિત્સક) ગણાય છે. તેમની પૂજા અને આરાધના કરવાથી મનુષ્યને આરોગ્ય સુખ એટલે કે ઉત્તમ સ્વાસ્થ્યનો લાભ પ્રાપ્ત થાય છે. ભગવાન ધનવંતરીના આ દિવ્ય પ્રાગટ્યના ઉપલક્ષ્યમાં જ દર વર્ષે કારતક કૃષ્ણ ત્રયોદશીના (ગુજરાતી વિક્રમ સંવત અનુસાર આસો વદ તેરસ) પાવન દિવસે ધનતેરસનો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે.

વાસણો અને નવી સામગ્રી ખરીદવાની પૌરાણિક પરંપરા

ધનતેરસના પાવન દિવસે વાસણો તેમજ સોનુ-ચાંદી અને અન્ય સામગ્રી ખરીદવાની એક ખાસ પરંપરા સદીઓથી ચાલી આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા, ત્યારે તેઓ પોતાના હાથમાં અમૃતથી ભરેલો એક દિવ્ય કળશ લઈને ઉપસ્થિત થયા હતા. કળશ એટલે કે એક પવિત્ર વાસણ અથવા પાત્ર.

ભગવાન ધનવંતરી પોતે કળશ લઈને પ્રગટ થયા હોવાથી જ આ પાવન દિવસે નવું વાસણ ખરીદવાની શાસ્ત્રોક્ત પ્રથા શરૂ થઈ હતી. વાસણો ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, ઘરમાં ઉપયોગી સામાન કે અન્ય કોઈપણ નવી વસ્તુ ખરીદવી પણ ખૂબ જ મંગલકારી અને શુભ માનવામાં આવે છે.

આ પાવન ત્રયોદશીના દિવસે માત્ર ભગવાન ધનવંતરીની જ પૂજા કરવામાં નથી આવતી, પરંતુ તેમની સાથે ધનની દેવી માતા લક્ષ્મીજી અને ધન-ભંડારના રક્ષક દેવ કુબેરની પણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માનવ જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બંનેનો સુંદર સમન્વય જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી આ દિવસે ચિકિત્સાના દેવ ધનવંતરી, લક્ષ્મીજી અને કુબેર દેવ ત્રણેયની એકસાથે આરાધના કરવાનો અપાર મહિમા છે.

ભગવાન વામન, રાજા બલિ અને મુનિ શુક્રાચાર્ય સાથે જોડાયેલી કથા (સંદર્ભ: ભાગવત, વામન અને સ્કંદ પુરાણ)

ધનતેરસના પાવન પર્વની ઉજવણી સાથે જોડાયેલી બીજી એક અત્યંત પ્રચલિત અને રોચક માન્યતા ભગવાન વિષ્ણુના વામન અવતાર અને દાનવીર રાજા બલિ સાથે જોડાયેલી છે. આ પ્રસંગનો વિગતવાર ઉલ્લેખ શ્રીમદ્ ભાગવત પુરાણ (અષ્ટમ સ્કંધ, અધ્યાય 18 થી 23) વામન પુરાણ અને સ્કંદ પુરાણ માં પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, એક સમયે રાજા બલિનો અત્યાચાર અને ભય દેવતાઓ પર ખૂબ વધી ગયો હતો.

રાજા બલિના આ ભયમાંથી સમસ્ત દેવતાઓને મુક્તિ અપાવવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને તેઓ રાજા બલિ દ્વારા આયોજિત યજ્ઞ સ્થળ પર પહોંચ્યા. શુક્રાચાર્ય અત્યંત જ્ઞાની હતા. તેમણે વામન રૂપમાં પણ ભગવાન વિષ્ણુને ઓળખી લીધા. શુક્રાચાર્યએ રાજા બલિને આગ્રહપૂર્વક કહ્યું કે આ વામન તમારી પાસે જે કંઈ પણ માંગે, તેમને આપવાની ના પાડી દેજો. પરંતુ રાજા બલિએ પોતાના ગુરુ શુક્રાચાર્યની વાત ન માની.

ભગવાન વામનએ રાજા બલિ પાસે ત્રણ પગ ભૂમિ દાનમાં માંગી. રાજા બલિ કમંડળમાંથી જળ લઈને સંકલ્પ વિધિ શરૂ કરવા જઈ રહ્યા હતા. ભગવાનને દાન આપતા અટકાવવા માટે ગુરુ શુક્રાચાર્યએ એક યુક્તિ કરી. તેઓ લઘુ (સૂક્ષ્મ) રૂપ ધારણ કરીને રાજા બલિના કમંડળમાં પ્રવેશ કરી ગયા, જેથી કમંડળમાંથી પાણી બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ જાય.

ભગવાન વામન શુક્રાચાર્યની આ ચાલાકી તુરંત સમજી ગયા. ભગવાન વામનએ પોતાના હાથમાં રાખેલી કુશા (દર્ભ) ને કમંડળમાં એવી રીતે અંદર પરોવી કે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય અંતે પીડાથઈ તરફડીને તુરંત કમંડળમાંથી બહાર નીકળી આવ્યા. ત્યારબાદ રાજા બલિએ વિધિવત સંકલ્પ લઈને વામન ભગવાનને ત્રણ પગ ભૂમિ દાનમાં આપી દીધી.

ત્યારબાદ ભગવાન વામનએ પોતાના એક પગથી સમગ્ર પૃથ્વીને માપી લીધી અને બીજા પગથી સમગ્ર અંતરિક્ષને માપી લીધું. ત્રીજો પગ મૂકવા માટે કોઈ સ્થાન ન રહેતા રાજા બલિએ પોતાનું શીશ (મસ્તક) વામન ભગવાનના ચરણોમાં મૂકી દીધું. રાજા બલિ દાનમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા. આ રીતે દેવતાઓને બલિના ભયમાંથી મુક્તિ મળી અને બલિએ જે ધન-સંપત્તિ દેવતાઓ પાસેથી છીનવી લીધી હતી, તેનાથી અનેક ગણી વધારે ધન-સંપત્તિ દેવતાઓને પુનઃ પાછી મળી ગઈ. આ ઉપલક્ષ્યમાં પણ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે.

યમદીપદાનની શાસ્ત્રોક્ત પરંપરા અને રાજા હિમના પુત્રની કથા (સંદર્ભ: સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ)

ધનતેરસના પાવન દિવસે માત્ર લક્ષ્મી-ધનવંતરીનું પૂજન જ નહીં, પરંતુ ‘યમદીપદાન’ (Yama Deep Daan) કરવાનું પણ વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ મુજબ, આ દિવસે સંધ્યાકાળે ઘરના મુખ્ય દ્વાર બહાર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને લોટ અથવા માટીનો દીવો પ્રગટાવીને યમરાજને અર્પણ કરવામાં આવે છે, જેથી પરિવારના સભ્યોને અકાળ મૃત્યુ (અસમયે આવતા મૃત્યુ) ના ભયમાંથી રક્ષણ મળે છે.

યમદીપદાન સાથે જોડાયેલી પૌરાણિક કથા મુજબ, પ્રાચીન કાળમાં રાજા હિમ નામના એક રાજા હતા. તેમને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે લગ્નના બરાબર ચોથા દિવસે સર્પદંશથી આ રાજકુમારનું મૃત્યુ થશે. રાજકુમાર જ્યારે 16 વર્ષનો થયો ત્યારે તેના વિવાહ થયા. તેની નવવધૂ અત્યંત પતિવ્રતા અને બુદ્ધિમાની હતી. લગ્નના ચોથા દિવસે તેણે પોતાના પતિને સૂવા ન દીધો. તેણે મહેલના પ્રવેશદ્વાર પર સોના-ચાંદીના દાગીના, નાણાં અને વાસણોનો મોટો ઢગલો કરી દીધો અને આખા મહેલમાં અસંખ્ય દીપકો પ્રગટાવીને ઝગમગાટ કરી દીધો. આખી રાત તે પોતાના પતિને ધાર્મિક વાર્તાઓ સંભળાવતી રહી અને સુંદર ભજનો ગાતી રહી.

જ્યારે મૃત્યુના દેવ યમરાજ કાળી નાગનું રૂપ ધારણ કરીને રાજકુમારના પ્રાણ હરવા આવ્યા, ત્યારે દીપકો અને આભૂષણોના દિવ્ય પ્રકાશથી તેમની આંખો અંજાઈ ગઈ. પ્રવેશદ્વાર બંધ હોવાથી યમરાજ સોના-ચાંદીના તે ઢગલા પર બેસી ગયા અને આખી રાત નવવધૂના મધુર ભજનો સાંભળવામાં લીન થઈ ગયા. સવાર પડતાં જ મૃત્યુનો નિશ્ચિત સમય વીતી ગયો અને યમરાજ રાજકુમારને જીવનદાન આપીને શાંતિપૂર્વક પાછા ફરી ગયા. આ ચમત્કારિક ઘટનાને કારણે ધનતેરસના દિવસે યમરાજ માટે દીપદાન કરવાની અને સોનું-ચાંદી કે વાસણ ખરીદવાની શાસ્ત્રોક્ત પરંપરા દ્રઢ બની હોવાની પણ માન્યતા પ્રચલિત છે.

દીપાવલી સાથે ધનતેરસનો પૌરાણિક સંબંધ

શાસ્ત્રોમાં ધનતેરસ અને દીપાવલી વચ્ચેનો સંબંધ પણ અત્યંત પવિત્ર દર્શાવવામાં આવ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરીના ઉત્પન્ન થવાના બરાબર બે દિવસ પછી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રગટ થયા હતા. આ જ કારણથી ધનતેરસના બે દિવસ પછી દીપાવલીનો પાવન મહોત્સવ મનાવવામાં આવે છે.  તેમજ દિવાળીના દિવસેે જ ભગવાન શ્રી રામ માતા સીતા અન લક્ષ્મણ સાથે વનવાસથી અયોધ્યા પરત આવ્યા હતા.

આરોગ્ય અને સમૃદ્ધિનો અમર સંદેશ

ધનતેરસનો તહેવાર માત્ર ભૌતિક ધન કે વાસણો ખરીદવાનો દિવસ નથી, પરંતુ તે જીવનના સૌથી મોટા ધન એટલે કે ‘આરોગ્ય’ નો ઉત્સવ છે. ભગવાન ધનવંતરીની આરાધના મનુષ્યને આરોગ્ય સુખ અને દીર્ઘાયુ આપે છે, જ્યારે માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા સમૃદ્ધિ લાવે છે. ભગવાન વામનની લીલા આપણને અહંકારનો ત્યાગ અને સત્યનો વિજય દર્શાવે છે.  ધનતેરસ એ આરોગ્ય, આસ્થા અને વૈભવનો સુંદર સમન્વય છે.

 

Sanatan Sanskruti: ગરુડ પુરાણ એ માત્ર મૃત્યુનો ગ્રંથ નથી, જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કારોનું આપે છે માર્ગદર્શન

 

Follow Us
Loading...
Unable to load recommendations.