Shrawan 2022 : સ્વયં શ્રીરામના હસ્તે થઈ રામેશ્વરની સ્થાપના ! જાણો મહેશ્વરના જ્યોતિર્મય સ્વરૂપનો મહિમા

|

Aug 04, 2022 | 6:34 AM

દ્વાદશ જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) રામેશ્વરમ્ સાતમું સ્થાન ધરાવે છે. શ્રીરામની પ્રાર્થનાને વશ થઈ મહેશ્વરે અહીં સદાકાળ નિવાસનું વચન આપ્યું છે અને હાં, અહીં સ્વયં હરિના હસ્તે જ તો થઈ છે હરની સ્થાપના !

Shrawan 2022 : સ્વયં શ્રીરામના હસ્તે થઈ રામેશ્વરની સ્થાપના ! જાણો મહેશ્વરના જ્યોતિર્મય સ્વરૂપનો મહિમા
Rameshwaram dham

Follow us on

ભારતની ભૂમિ એટલે તો ચાર ધામની (Char dham) ભૂમિ. આ પાવન શ્રાવણ (shravan) માસમાં તો ચારધામના દર્શનનો સવિશેષ મહિમા છે. કહેવાય છે કે જે લોકો ચાર ધામ કે તીર્થક્ષેત્રના દર્શને નથી જઈ શકતા તેઓ તે પવિત્ર સ્થાનની કથાઓનું રસપાન પણ કરી શકે. રામેશ્વરમ્ ધામ (rameshwaram dham) એ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. કહેવાય છે કે દક્ષિણ ભારતમાં રામેશ્વધામની મહત્તા એ ઉત્તરમાં બિરાજમાન કાશી વિશ્વનાથ સમાન જ છે. રામેશ્વરમ્ એ ત્રેતાયુગનું મહાધામ મનાય છે. કારણકે અહીં દેવાધિદેવ મહાદેવ જ્યાતિર્મય રૂપે વિદ્યમાન થયા છે અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) રામેશ્વરમ્ સાતમું સ્થાન ધરાવે છે.

રામેશ્વરધામની મહત્તા

રામેશ્વરમ્ એ શંખ આકારના દ્વિપ રૂપે અસ્તિત્વમાં છે. આ દ્વિપ બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના જળથી ચારે તરફથી ઘેરાયેલો છે. અને એટલે પામ્બન બ્રીજના એટલે કે સેતુના માધ્યમથી જ આપ રામેશ્વરમની ભૂમિ પર પહોંચી શકો છો. આ સેતુ જાણે એ વાતની પણ તો પ્રતિતિ કરાવે છે કે રામેશ્વરમ્ તો છે હરિ-હર વચ્ચેનો આધ્યાત્મિક સેતુ. કારણ કે અહીં સ્વયં હરિના હસ્તે જ તો થઈ છે હરની સ્થાપના ! રામેશ્વર ધામ આમ તો ત્રેતાયુગીન મનાય છે. અલબત્ રામેશ્વર મહાદેવ જ્યાં વિદ્યમાન છે તે ગર્ભગૃહ વર્ષ 1173માં નિર્મિત હોવાની માન્યતા છે.

ઐતિહાસિક પુરાવા અનુસાર શ્રીલંકાના રાજા પરાક્રમ બાહુએ આ મૂળ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ સમયાંતરે મંદિરની આસપાસ ગોપુરમની રચના થતી રહી છે. અહીં મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર ગોપુરમ આવેલાં છે. અને સ્થાપત્યના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ આ ગોપુરમની બરાબર મધ્યમાં આવેલું છે રામેશ્વર મહાદેવનું મૂળ મંદિર. જેની મધ્યે મહેશ્વરનું રામેશ્વર રૂપ વિદ્યમાન છે તે મુખ્ય મંદિરની ફરતે વિશાળ પરિક્રમા પથ આવેલો છે. રામેશ્વરમ્ ધામનો આ પરિક્રમાપથ લગભગ 3850 ફૂટ લાંબો છે. અને કહે છે કે તે વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક પરિક્રમા પથ છે. જેને પાર કરી ભક્તો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રામેશ્વરધામનું ગર્ભગૃહ થોડું અંધારિયું છે. શ્રદ્ધાળુઓને દિવાની જ્યોતિ સાથે જ મહેશ્વરના જ્યોતિર્મય રૂપના દર્શનનો લાભ મળે છે. રામેશ્વરમ્ મહાદેવ એ તો રામેશ્વર, રામનાથ તેમજ રામેશ્વરલિંગમ જેવાં નામોથી પણ પૂજાય છે. અન્ય શિવલિંગોથી ભિન્ન છે રામેશ્વર મહાદેવ. કારણકે અહીં તો મહેશ્વરને શ્રી હરિની જેમ તુલસી દલ પણ અર્પણ થાય છે અને અભિષેક પણ શંખ દ્વારા થાય છે.

રામેશ્વર પ્રાગટ્ય કથા

શિવ મહાપુરાણની કોટિરુદ્રસંહિતાના 31માં અધ્યાયમાં રામેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સંબંધી કથાનું વર્ણન છે. આ કથા અનુસાર લંકા પ્રસ્થાન માટે 18 પદ્મની વાનરસેના લઈને શ્રીરામ સમુદ્રના કિનારે આવ્યા. તેમને ચિંતા સતાવી રહી હતી કે આટલી વિશાળ સેના સાથે સમુદ્રને પાર કરવો કેવી રીતે ? આખરે, તેમણે તેમના આરાધ્ય મહાદેવનું શરણું લીધું. શ્રીરામે રેતમાંથી શિવલિંગનું નિર્માણ કરી આસ્થા સાથે તેનું પૂજન કર્યું. કહે છે કે શ્રીરામની ભક્તિ એટલી શ્રેષ્ઠ હતી કે મહાદેવ સ્વયં માતા પાર્વતી અને તેમના સમસ્ત ગણો સાથે આ ધરા પર પ્રગટ થયા. અને રામજીને વરદાન માંગવા કહ્યું. શ્રીરામે રાવણ સાથે થનારા યુદ્ધ માટે વિજયશ્રીના આશીર્વાદ માંગ્યા અને સાથે જ લોકોના ક્લાયણ અર્થે આ દિવ્ય ભૂમિ પર બિરાજમાન થવા શિવજીને પ્રાર્થના કરી. શ્રીરામની પ્રાર્થનાને વશ થઈ મહેશ્વરે અહીં સદાકાળ નિવાસનું વચન આપ્યું. કહે છે કે તે સમયથી જ મહેશ્વર રામેશ્વર રૂપે આ દિવ્ય ધરા પર વિદ્યમાન થઈ ભક્તોના સંકટોનું હરણ કરી રહ્યા છે.

શિવપુરાણાનુસાર તો આ જ્યોતિર્લિંગનું તો વર્ણન સાંભળવા માત્રથી પણ શ્રદ્ધાળુના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article