જાણી લો, વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે હનુમાનજીના કયા સ્વરૂપની કરવી જોઈએ પૂજા ?
હનુમાનજીની પૂજા ફળદાયી મનાય છે. પણ કહે છે કે જો તમે કોઈ ખાસ મનશા સાથે પવનસુતની પૂજા કરી રહ્યા હોવ તો તે અનુસારના હનુમાન સ્વરૂપની આરાધના કરવી જોઈએ. તેનાથી ઝડપથી ફળપ્રાપ્તિની માન્યતા છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર હનુમાનજીની (hanuman) પૂજા ન માત્ર ભક્તોના કષ્ટ હરે છે, પરંતુ, સાથે જ ભક્તોની સમસ્ત પીડાનું શમન કરીને તેમને શાતા પ્રદાન કરે છે. માન્યતા એવી છે કે હનુમાનજીની પૂજા કરવાથી જીવનની તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે. આમ જોવા જઇએ તો હનુમાનજી(hamumanji)ની પૂજા કરવા માટે કોઇપણ સમય શ્રેષ્ઠ છે. માત્ર દ્રઢ શ્રદ્ધા સાથે તેમની પૂજા આરાધના કરવામાં આવે તો સમસ્ત સમસ્યાઓ પળભરમાં દૂર થઇ જાય છે. કહે છે કે જો ભક્ત સાચા દિલથી પ્રભુનું સ્મરણ કરે તો ચોક્કસથી હનુમાનજી તેની મદદ કરે છે. પણ, શું તમે જાણો છો કે વિવિધ મનશાઓની પૂર્તિ અર્થે પવનસુતના કયા સ્વરૂપની પૂજા વિશેષ ફળદાયી બને છે ?
હનુમાનજીની પૂજા માટે મંગળવાર કે શનિવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. આ દિવસે આપ વિશેષ ઉપાય કરીને આપની મનોકામનાની પૂર્તિ કરી શકો છો. એમાં પણ વિશેષ મનશાની પૂર્તિ અર્થે હનુમાનજીના વિશેષ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તને ઝડપથી મનોવાંચ્છિત ફળ મળવાની માન્યતા છે. તો ચાલો, તે વિશે જ માહિતી મેળવીએ.
ક્યારે કરશો હનુમાનજીની સાધના ?
જો તમે કોઇ મનોકામનાની પૂર્તિ માટે હનુમાનજીની દૈનિક સાધના કરવાનું શરૂ કરી રહ્યા છો તો તેના માટે મંગળવાર કે શનિવાર ઉત્તમ દિવસ છે. તેના માટે આપે કોઇ મુહૂર્ત જોવાની જરૂર નહીં પડે. આ દિવસે આપ જો હનુમાનજીની પૂજા આરાધના કરો છો તો તમારી દરેક મનોકામનાની પૂર્તિ થાય છે.
આ સ્વરૂપનું ધરો ધ્યાન
- હનુમાનજીની સાધના કરવા માટે તેમના કયા સ્વરૂપની પૂજા કરો છો તેનું અવશ્ય ધ્યાન રાખવું. જો તમે મનની શાંતિ માટે ધ્યાન ધરતા હોવ તો ધ્યાન મુદ્રાવાળા હનુમાનજીની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જોઇએ.
- સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે બજરંગબલીની પંચમુખી મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જોઇએ.
- જીવનમાં રહેલ દોષો અને અવરોધોને દૂર કરવા માટે પર્વત ઉપાડેલ હનુમાનજીની સાધના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.
- જો તમે કોઇ વરદાન અને સફળતાની કામના સાથે હનુમાનજીની આરાધના કરતા હોવ તો આશીર્વાદ મુદ્રાવાળા હનુમાનજીની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ધાર્મિકની સાથે જાણો યજ્ઞ અથવા હવનના વૈજ્ઞાનિક ફાયદા પણ
આ પણ વાંચોઃ જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ તો પૂર્ણ થશે સઘળી અભિલાષ!