TV9 Bhakti: જાણો સ્વયં શ્રીકૃષ્ણના સ્પર્શથી પાવન થયેલી ભૂમિ સુદામાપુરીની મહત્તા

|

May 03, 2022 | 6:47 PM

કૃષ્ણના પ્રેમરંગ જેટલો જ અદકેરો તો છે તેમનો મિત્રરંગ. સ્વયં જગતનો નિયંતા. જ્યારે ‘સખા' બની મિત્રનો હાથ પકડે છે ત્યારે તે તેને ક્યારેય છોડતો નથી.આજે વાત કરવી છે શ્રીકૃષ્ણ (Lord Sri Krishna)ના એવાં મિત્રની વાત કે જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમના કલ્યાણ અર્થે પોતાનું સઘળું જતું કરવા તત્પર બન્યા.

કૃષ્ણના પ્રેમરંગ જેટલો જ અદકેરો તો છે તેમનો મિત્રરંગ. સ્વયં જગતનો નિયંતા. જ્યારે ‘સખા’ બની મિત્રનો હાથ પકડે છે ત્યારે તે તેને ક્યારેય છોડતો નથી. અમારે તો આજે વાત કરવી છે શ્રીકૃષ્ણના એવાં મિત્રની વાત કે જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમના કલ્યાણ અર્થે પોતાનું સઘળું જતું કરવા તત્પર બન્યા. અને આ યાત્રા તો શરુ થઈ હતી મુઠ્ઠીભર ચણાથી.ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલ પોરબંદર શહેર. આ જ પાવની ભૂમિ પૌરાણિક કાળમાં સુદામાપુરી તરીકે પણ ખ્યાત રહી છે. કારણ કે અહીં જ તો થયો હતો શ્રીકૃષ્ણના પરમ સખા. સુદામાજીનો જન્મ. દંતકથા તો એવી પણ છે કે આ તો સ્વયં શ્રીકૃષ્ણના સ્પર્શથી પાવન થયેલી ભૂમિ છે. અને એ જ ભૂમિ પર આજે બંન્ને પરમ સખા ભક્તોને દર્શન આપી રહ્યા છે.

આપ અવશ્ય જાણતા હશો કે સાંદિપની આશ્રમમાં સાથે અભ્યાસ કરતાં શ્રીકૃષ્ણ અને સખા સુદામા એક વાર જંગલમાં લાકડાં કાપવા જાય છે અને ગુરુમાએ બંન્ને મિત્રો માટે સાથે આપેલા ચણા ફક્ત સુદામાજી જ આરોગી જાય છે. ત્યારબાદ સુદામાજીની સર્જાયેલી દારૂણ પરિસ્થિતીથી લઈ એક તાંદુલની પોટલી લઈ દ્વારકા જવા નીકળેલા સુદામાજીની વાર્તા અને ભગવાને સુદામાજીની ઝુંપડીને રત્નમહેલ બનાવી દીધા સુધીની કઈં કેટલીયે કથા આપણે સતત લોકમુખે સાંભળતા આવ્યા છીએ. પરંતુ આજે તો અમારે તમને જણાવવી છે એક એવી કથા કે જેની પાછળ છુપાયેલો છે સુદામાનો સખા કૃષ્ણ પ્રત્યેનો અતૂટ પ્રેમ.

આ તો મિત્રતાની એવી કથા કે જ્યાં, પોતાના સખાને એક શ્રાપથી બચાવવા સુદામા જાણી જોઈને થયા દરિદ્ર. આજે અમે આપને જણાવીશું કે કેમ એકલા જ ચણા આરોગી ગયા સુદામાજી ? શું સુદામા જાણતા હતા કે ચણા ખાવાથી તેઓ એ આખીયે જિંદગી દારુણ દરિદ્રતામાં પસાર કરવી પડશે ?

પ્રચલિત કથા કંઈક એવી છે કે ગુરુ સાંદીપનિના આશ્રમની નજીકના જ એક ગામમાં એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણી રહેતી હતી. તે ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતી. એકવાર સળંગ ચાર દિવસ સુધી તેને ભિક્ષામાં કશું જ ન મળ્યું. પાંચમા દિવસે તેને ભિક્ષામાં ચણા મળ્યા. તેણે સંકલ્પ કર્યો કે તે બીજા દિવસે વાસુદેવને ભોગ લગાવ્યા બાદ તે ચણા ગ્રહણ કરશે. પણ, મધરાતે જ બે ચોર પોટલીમાં કંઈ સુવર્ણ હશે તેમ માની તે ચોરી ગયા. બ્રાહ્મણીએ ચોર-ચોરની બૂમો પાડી. ગભરાયેલા ચોર ગુરુ સાંદીપનિના આશ્રમમાં છુપાઈ ગયા. થોડીવારમાં તેઓ ત્યાંથી પણ ભાગ્યા.

અલબત્ ચણાની પોટલી આશ્રમમાં જ પડી ગઈ. જે ગુરુમાતાના હાથમાં આવી. અને આ જ પોટલી ગુરુમાતાએ લાકડાં કાપવા જતાં સુદામાના હાથમાં મુકી. પોટલીને હાથમાં લેતાં જ બ્રહ્મજ્ઞાની સુદામાએ એ શ્રાપને જાણી લીધો કે સતત પાંચ દિવસથી ભૂખથી ટળવળતી એક દરિદ્ર બ્રાહ્મણીએ આપ્યો હતો. દરિદ્ર બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે ” જે પણ એ ચણા ખાશે, તેને મારાથીયે દારુણ દરિદ્રતામાં દિવસો પસાર કરવા પડશે !”

પોતાના પરમ સખાને આવું દુ:ખ સાંપડે એ વાત ભલાં સુદામાથી કેવી રીતે સહન થાય. રખેને કૃષ્ણ તેમાંથી એક પણ દાણો ખાઈ લે તો ! એ જ બીકે સુદામા બધાં ચણા પોતે જ ખાઈ ગયા. સમયના વ્હાણા વિતી ગયા અને દરિદ્ર બ્રાહ્મણીનો શ્રાપ અક્ષરસ: સાચો સાબિત થયો. શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંધના એંસીમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર સુદામાજી બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાંતચિત્ત અને જિતેન્દ્રિય હતા. તે ગૃહસ્થ હોવા છતાં કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરતાં.

પ્રચલિત કથા અનુસાર પત્નીની વારંવારની વિનંતીને વશ થઈ સુદામાજી દ્વારકા જવા તૈયાર થયા. તેમણે મનમાં વિચાર્યું કે  “શ્રીકૃષ્ણ પાસે ધન માંગવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ, દ્વારિકા જવાથી મારા પરમ સખાના દર્શન થશે, એ જ તો મોટો લાભ છે.”
સુદામાજી દ્વારકા જવા તૈયાર થયા. પણ, ખાલી હાથે કેમ જવું ? ત્યારે સુશીલાજીએ આજુબાજુના બ્રાહ્મણોને ત્યાંથી ચારેક મુઠ્ઠી પૌંવા લાવી એક પોટલીમાં બાંધી દીધાં. અને તે પોટલી લઈ સુદામાજી તેમના પરમ સખાને મળવા દ્વારકા પહોંચ્યા.

આ એ દ્રશ્ય હતું કે જેણે જોનારાઓને દંગ કરી દીધાં. એક ચિંધરેહાલ બ્રાહ્મણને હૃદયે લગાવી દ્વારિકાધીશ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા. તો બીજી તરફ સુદામાની આંખના આંસુ પણ અવિરત વહી રહ્યા હતા. શ્રીમદ ભાગવતના દસમા સ્કંધના એક્યાંસીમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર સુદામાના હાથમાંથી પૌંવા લેતા શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે “પ્રિય મિત્ર ! આ તમે મને બહુ જ પ્રિય એવી ભેટ લાવ્યા છો. આ પૌંવા માત્ર મને જ નહીં, પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત છે !”

એ પૌંવા જ હતા કે જે આરોગીને શ્રીકૃષ્ણએ સુદામાજીને સમૃદ્ધ કર્યા હતા. અને એટલે જ તો સુદામાપુરીધામમાં ભક્તોને પૌંવા પ્રસાદ આપવાનો મહિમા છે. કહે છે કે બે મુઠ્ઠી પૌંવાથી શ્રીકૃષ્ણને એવી તો તૃપ્તિ થઈ હતી કે તેમને સુદામાજીને વધુ કંઈક આપવાની ઈચ્છા થઈ આવી. શ્રીમદ ભાગવતના દસમા સ્કંધના એક્યાંસીમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર દ્વારિકાથી પરત ફરેલાં સુદામાજી જ્યારે તેમના મૂળ નિવાસ્થાન પર પહોંચ્યા ત્યારે ત્યાં ઝૂંપડીને બદલે રત્નોથી બનેલો મહેલ જોયો. તેમને લાગ્યું કે તેઓ ભૂલાં પડ્યા છે. તેઓ ઝૂંપડી શોધવા આમ-તેમ ભટકવા લાગ્યા. જેમાંથી જ તો થઈ આ ‘લખચૌરાસી’ પરિક્રમા ની રચના.

કૃષ્ણ-સુદામાની આવી નિષ્કપટ ને નિષ્કામ મૈત્રીની સાક્ષી બનેલી આ ભૂમિ પર આજે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટે છે. અહીં પોષ સુદ આઠમે મૂર્તિની સ્થાપના થઈ હોય તે દિવસે દર્શનનો મહિમા છે. તો સવિશેષ મહત્તા છે અખાત્રીજના દર્શનની. કહે છે કે અખાત્રીજે જ સુદામાજી શ્રીકૃષ્ણને મળવા દ્વારિકા પહોંચ્યા હતા.
પરમ સાક્ષાત્કારનો પરચો પૂરતી આ પ્રતિમા તો મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનારી પણ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ અઠવાડિયાના વિવિધ દિવસોમાં કરી લો આ ખાસ કામ, તમારું ભાગ્ય ક્યારેય નહીં છોડે તમારો સાથ !

આ પણ વાંચોઃ શું છે જ્વાલામુખી મંદિરની નવ જ્યોતનું રહસ્ય? જાણો ‘જ્વાલા’ રૂપ જગદંબાનો મહિમા

Published On - 7:33 am, Tue, 3 May 22

Next Video