
ભગવાન જગન્નાથની પૂરીમાં નીકળતી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા વર્ષ 2026માં 16 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 24 જુલાઈના રોજ બહુડા યાત્રા એટલે કે ભગવાનની ઘર વાપસી સાથે પૂર્ણ થશે. જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આસ્થા, ભક્તિ અને સમર્પણનો એક મહાન ઉત્સવ છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ઓડિશાના પુરીમાં યોજાતી આ ભવ્ય યાત્રામાં દેશ-વિદેશના લાખો ભક્તો જોડાય છે. ભગવાન જગન્નાથના રથને ખેંચવાની પરંપરાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન જગન્નાથના રથ સાથે જોડાયેલી દોરીને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ દોરી ભગવાન સાથે ભક્તોને જોડવાનું એક માધ્યમ છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિભાવથી રથની દોરીને સ્પર્શ કરે છે અથવા તેને ખેંચે છે, તેના જીવનના પાપોનો નાશ થાય છે અને તેને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.ઘણા લોકો માનતા હોય છે કે રથની દોરી ખેંચવી એ ભગવાનના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરવાની એક રીત છે. આ ભક્તને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિના માર્ગ તરફ આગળ વધવાની આધ્યાત્મિક પ્રેરણા આપે છે.
જગન્નાથ રથયાત્રા પાછળ અનેક ધાર્મિક કથાઓ જોડાયેલી છે. માન્યતા છે કે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘર એટલે કે ગુંડિચા મંદિરની મુલાકાતે જાય છે. આ યાત્રાનું એક મહત્વ એ પણ છે કે ભગવાન પોતે પોતાના ભક્તોની વચ્ચે આવે છે. જે લોકો મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી શકતા નથી, તેઓ પણ ભગવાનના દર્શનનો લાભ લઈ શકે છે. ભગવાનના રથની દોરી ખેંચવી એટલે જાણે ભગવાનની સેવા કરવાનો અને તેમની યાત્રાનો એક ભાગ બનવાનો અવસર મળવો. ભક્તો માને છે કે આ રીતે તેઓ ભગવાન સાથે સીધો આધ્યાત્મિક સંબંધ અનુભવે છે.
પાપોનો નાશ : રથ ખેંચવું માત્ર શારીરિક કાર્ય નથી, પરંતુ તે અહંકાર છોડીને ભગવાનના ચરણોમાં સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. દોરી પકડતા જ ભક્ત પોતાના મન અને વિચારોને ભગવાનને સમર્પિત કરે છે.
મોક્ષની માન્યતા : ધાર્મિક માન્યતા અનુસાર, જે વ્યક્તિ ભગવાન જગન્નાથના રથની દોરીને સ્પર્શ કરે છે અથવા તેને ખેંચે છે, તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિનું પુણ્ય મળે છે.
સમાનતાનો સંદેશ : પુરીની જગન્નાથ રથયાત્રા સમાજમાં સમાનતાનો સંદેશ આપે છે. અહીં રાજા હોય કે સામાન્ય ભક્ત, દરેક વ્યક્તિ એક જ દોરી પકડીને ભગવાનના રથને આગળ વધારે છે. આ ભક્તિ અને એકતાનું અનોખું ઉદાહરણ છે.
રથયાત્રા દરમિયાન “જય જગન્નાથ”ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. જ્યારે લાખો ભક્તોના હાથ એકસાથે રથની દોરી ખેંચે છે, ત્યારે તે દૃશ્ય અત્યંત દિવ્ય અને અદભૂત બની જાય છે. આ એવો ક્ષણ હોય છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે. આ યાત્રા આપણને સંદેશ આપે છે કે જો જીવનરૂપી રથની દોર ભગવાનના હાથમાં સોંપી દેવામાં આવે, તો જીવનના મુશ્કેલ માર્ગો પણ સરળ બની જાય છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાવા અને રથની દોરી ખેંચવાનું સૌભાગ્ય મેળવવા માટે લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચશે. આ ભગવાન પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું સૌથી મોટું પ્રમાણ છે.