આજે ગીતા જયંતી પર કરી લો આ સરળ કામ, પ્રાપ્ત થશે શ્રીકૃષ્ણ અને લક્ષ્મીજીની કૃપા !
એક માન્યતા અનુસાર ગીતા જયંતીના (Geeta Jayanti ) દિવસે પીળા રંગના પુષ્પથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ધન-ધાન્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે.
ગુજરાતી પંચાંગ અનુસાર માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આમ તો આ મોક્ષદા એકાદશીનો દિવસ છે, પણ કહે છે કે આ જ દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું હતું. એ જ કારણ છે કે આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે. આવો, આ વિશે જ વિગતે માહિતી મેળવીએ.
દિન માહાત્મ્ય
આજે મોક્ષદા એકાદશી એટલે કે ગીતા જયંતીનો અવસર છે. જે વ્યક્તિ આજે એકાદશીનું વ્રત રાખે છે, તેને એકાદશીનું પુણ્ય તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી અને શ્રીકૃષ્ણ બંન્નેની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. આ એ ઉપાયો છે કે જેના દ્વારા વ્યક્તિના જીવનની સમસ્યાઓ તો દૂર થાય જ છે. સાથે જ તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે. આ તમામ ઉપાયો નીચે અનુસાર છે.
કેળના વૃક્ષનું રોપણ
ગીતા જયંતીના દિવસે કેળના ઝાડ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પણ યાદ રાખો, કે આ વૃક્ષને રોપ્યા બાદ તેની સેવા કરવી ખૂબ જરૂરી છે. અને જ્યારે તે વૃક્ષ પર ફળ બેસવા લાગે ત્યારે પહેલા તેનું દાન કરવું. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી આપનું ઘર ધન-ધાન્યથી ભરેલું રહેશે.
ફળદાયી મંત્ર
⦁ ગીતા જયંતીના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને પૂજા અવશ્ય કરો. પૂજામાં “ૐ નમો ભગવતે વાસુદેવાય ।” મંત્રનો જાપ કરો. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ. માન્યતા અનુસાર તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે અને રોગ-દોષ દૂર થાય છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા આપની પર બનેલી રહે છે.
⦁ ગીતા જયંતીના દિવસે પૂજામાં “ૐ ક્લીં કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણતઃ કલેશ્નાશય ગોવિંદાય નમો નમઃ ।” મંત્રનો જાપ કરવાથી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે.
પીળા રંગના પુષ્પ
એક માન્યતા અનુસાર ગીતા જયંતીના દિવસે પીળા રંગના પુષ્પથી ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ધન-ધાન્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
અભિષેક
ઘરમાં સતત કલેશ કે ઝઘડા થતા રહેતા હોય તો તેવી સ્થિતિમાં ગુલાબજળમાં કેસર મિશ્રિત કરીને તેનો શ્રીકૃષ્ણ પર અભિષેક કરવો જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં શાંતિની સ્થાપના થશે.
ખીરનો પ્રસાદ
ગીતા જયંતીના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. એ જ ખીરમાં તુલસીદળ ઉમેરીને શ્રીકૃષ્ણને પણ ભોગ લગાવવો જોઇએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન કૃષ્ણની પણ કૃપા આપની પર વરસતી રહેશે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)