દિવાળીના (Diwali) દિવસે માતા લક્ષ્મી (Laxmi) અને ભગવાન ગણેશની (Ganesh) પૂજાનું મહત્વ છે. સાથે જ દિવાળી પૂજનમાં પાણીમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના પૂજનનું પણ વિશેષ માહાત્મ્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં જળનો સંબંધ ચંદ્રદેવ સાથે માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઇ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીની રાત્રે પાણીમાં જોવા મળતી 6 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. તમે પણ જાણી લો કે આ 6 વસ્તુઓ કઈ છે અને પૂજામાં તેના ઉપયોગથી કેવાં ફળની થશે પ્રાપ્તિ.
મહાલક્ષ્મીના પૂજનમાં કમળનું પુષ્પ વિશેષ મહત્વ ધરાવે છે. કમળ પાણીમાં ઉગે છે. દિવાળી પૂજનમાં મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે. કમળને શુભ, સૌંદર્ય અને આર્થિક સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે.
જો તમને સમુદ્રનું જળ મળી જાય તો તેને દિવાળી પૂજનમાં જરૂર સામેલ કરો. માન્યતા છે કે મા લક્ષ્મી જળથી જ પ્રગટ થયા છે. પૂજન દરમિયાન જળને કળશમાં ભરી રાખવું અને પૂજા પછી ઘરમાં આ જળનો છંટકાવ કરી દેવો જોઇએ. લોકવાયકા અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે.
દિવાળી પૂજનમાં શંખને સામેલ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શંખ દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને શંખ ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો શંખને માતા લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે અને એટલે જ તેનું પૂજન ફળદાયી મનાય છે.
દિવાળીની રાતે પૂજા સ્થળ પર મોતી રાખવું જોઇએ અથવા તો ધારણ કરવું જોઇએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
દિવાળી પૂજનમાં ગોમતી ચક્રનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ગોમતી નદીમાંથી છિપલા જેવી સફેદ વસ્તુઓ મળે છે જેના પર ચક્ર બનેલું હોય છે તેને ગોમતીચક્ર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ચક્ર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે. જે બધી જ નકારાત્મકતાઓનો નાશ કરે છે. લક્ષ્મી પૂજન પછી ગોમતી ચક્રને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. કહે છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. ધ્યાનમાં રહે કે પૂજનમાં 11 ગોમતી ચક્ર રાખવા જોઇએ.
માતા લક્ષ્મીને મનગમતા ફળોમાં શિંગોડાનો પણ સમાવેશ થાય છે. માન્યતા છે કે દિવાળી પૂજનમાં શિંગોડાને સામેલ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મા લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે !
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 1:02 pm, Tue, 11 October 22