શું મનગમતી નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ? ગુરુવારે અચૂક અજમાવો આ સરળ ઉપાય
ગુરુવારના (Thursday) દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નોકરી-ધંધામાં આવનાર સમસ્યાઓ દૂર થઇ જાય છે. આપની પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે !

એક સુખી અને ખુશહાલ જીવન જીવવા માટે એક સફળ અને સ્થિર નોકરીની જરૂરિયાત હોય છે. પરંતુ, ક્યારેક ક્યારેક આપણે બહુ મહેનત અને પ્રયત્નો કરવા છતાં નોકરી મેળવવા માટે કે આપણી કારકિર્દી બનાવવાના માર્ગમાં સફળતા મેળવી શકતા નથી. સારી કારકીર્દી માટે સારો માર્ગ પસંદ નથી કરી શકતાં. આપણને અસફળતા જ મળે છે. આ બધી સ્પર્ધાઓ અને સંઘર્ષોના કારણે આપણે મનગમતી નોકરી મેળવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેનું મુખ્ય કારણ આપણી કુંડળીમાં રહેલ ગ્રહોની ખરાબ સ્થિતિ હોય છે. પરંતુ, જ્યોતિષશાસ્ત્રમાં નોકરી અને કારકિર્દીની સફળતા મેળવવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાયો દર્શાવ્યા છે. જે કરવાથી આપને આપની સમસ્યામાં સમાધાન ચોક્કસ મળે છે.
હિન્દુ ધર્મમાં દરેક દિવસ દરેક દેવી દેવતાને સમર્પિત કરવામાં આવે છે.આપણે ગુરુવારની વાત કરીએ તો ભગવાન વિષ્ણુને ગુરુવાર સમપર્તિ કરવામાં આવ્યો છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી આપની મનોકામનાની પૂર્તિ અવશ્ય થાય છે. આ દિવસે બૃહસ્પતિ દેવની પણ આરાધના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગુરુ ગ્રહ વ્યક્તિના જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો ગુરુ બળવાન હોય તો ધન, નોકરી, વૈવાહિક જીવન, અને સંતાન સંબંધિત કોઇ જ સમસ્યા સતાવતી નથી. આજે આપને એવા જ ગુરુવાર સાથે જોડાયેલા સરળ અને અસરકારક ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે તમારી મનપસંદ નોકરી આસાનીથી મેળવી શકો.
⦁ જો તમે અત્યારે બેરોજગાર હોવ અને નોકરીની શોધ કરી રહ્યા હોવ તો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઇને કેસર અને ચણાની દાળનું દાન કરવું જોઇએ.
⦁ ગુરુવારના દિવસે મસ્તક પર કેસર અને ચંદનનો લેપ અવશ્ય લગાવવો. આ ઉપાય કરવાથી આપના જીવનમાં ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે.
⦁ ગુરુવારના દિવસે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નોકરી-ધંધામાં આવનાર સમસ્યાઓ દૂર થઇ જાય છે. આપની પ્રગતિના દ્વાર ખુલવા લાગે છે.
⦁ ગુરુવારના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલનો છંટકાવ કરીને તેની ઉપર બે મુખી દીવા પ્રજવલિત કરવા જોઇએ. તેનાથી આપના ધનનો વ્યય થવાનું અટકી જશે.
⦁ ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે નીચે જણાવેલ મંત્રમાંથી કોઈપણ એક સરળ મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવો.
1. ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: ગુરુવે નમ: ।
2. ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: ।
3. ૐ બૃહસ્પતે નમ: ।
⦁ શક્ય હોય તો દર ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવું જોઇએ.
⦁ ગુરુવારના દિવસે આખી હળદરને પીળા કપડામાં બાંધીને ગળામાં ધારણ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
⦁ એક માન્યતા અનુસાર ગુરુવારના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાન કરવાના જળમાં હળદર ઉમેરીને તે જળ વડે સ્નાન કરવાથી આપને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)