
આવતીકાલ 1 જાન્યુઆરી, 2026 થી દેશમાં બધા નવા ટુ-વ્હીલર પર એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ્સ (ABS) ફરજિયાત બનાવવાનો નિર્ણય, ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓની માંગણીના અવરોધનો સામનો કરી રહ્યો છે. અમલીકરણ આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી હોવાથી, ઓટોમેકર્સે આ મુદ્દે હાલ તો હાર માની લીધી છે. પરંતુ તેમણે સરકારને આ નિર્ણય પર હાલપુરતો પુનર્વિચાર કરવા કહ્યું છે.
એવું માનવામાં આવે છે કે 1 જાન્યુઆરીની સમયમર્યાદા લંબાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે 2025ના જૂનમાં, સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે 1 જાન્યુઆરી, 2026 થી કંપનીઓ માટે તમામ નવા ટુ-વ્હીલરમાં ABS ઇન્સ્ટોલ કરવું ફરજિયાત રહેશે. આ બાબતના જાણકાર એવા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટુ વ્હીલર ઉત્પાદક કંપનીઓ ટુ-વ્હીલર પર એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ્સ લગાવવા અંગે હવે સરકાર પાસેથી વધારાનો સમય માંગ્યો છે.
ટુ વ્હીલર ઉત્પાદક કંપનીઓની દલીલ છે કે, દેશમાં નવી બ્રેકિંગ સિસ્ટમનો પુરવઠો હાલમાં અપૂરતો છે. જો તેને એકસાથે બધા જ ટુ-વ્હીલર માટે ફરજિયાત બનાવવામાં આવે, તો તે ભાગોની અછત સર્જાઈ શકે છે અને ટુ વ્હીલર ઉત્પાદનને અસર કરી શકે છે. આનાથી વાહનોની કિંમત પણ વધારો થઈ શકે છે, જેની આખરે તો સીધી અસર ગ્રાહકો પર જ પડશે. કંપનીઓનું સૂચન છે કે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ્સનો આ નિયમ તબક્કાવાર લાગુ કરવામાં આવે, જેનાથી ઓટોમોબાઈલ ઉદ્યોગને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
સરકાર માર્ગ અકસ્માતો ઘટાડવા માટે તમામ ટુ-વ્હીલર પર એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ્સ ABS ફરજિયાત બનાવવાની યોજના ધરાવે છે. હાલમાં, આ સિસ્ટમ ફક્ત 125 સીસીથી વધુ ક્ષમતા ધરાવતી બાઇકો પર જ લાગુ પડે છે, જ્યારે નાની બાઇકો અને સ્કૂટરોમાં ફક્ત સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ (CBS) છે. આ સસ્તું સેગમેન્ટ દેશના કુલ બાઇક બજારના આશરે 84 % હિસ્સો ધરાવે છે.
અધિકારીઓના મતે, 1 જાન્યુઆરીની સમયમર્યાદા સાવ નજીક આવી રહી હોવા છતાં પરિસ્થિતિ અસ્પષ્ટ છે. સરકારે આ સંદર્ભમાં ટૂંક સમયમાં સૂચના જાહેર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આવું થયું નથી. આને એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે કે, નવી સમયમર્યાદા નક્કી થઈ શકે છે. કેન્દ્ર સરકાર બધા વિકલ્પો પર વિચાર કરી રહી છે. જોકે, આ મુદ્દા પર હજુ સુધી કોઈ જ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) એક અદ્યતન ટેકનોલોજી છે. જે અચાનક બ્રેક મારતી વખતે વ્હીલ્સને લોક થવાથી અટકાવે છે, જેનાથી વાહનનું સંતુલન જળવાઈ રહે છે અને અકસ્માતો ટાળી શકાય છે. આ સિસ્ટમ બ્રેક મારતી વખતે વ્હીલ્સ પર વારંવાર દબાણ કરીને વાહનોને લપસતા અને ખેંચાતા અટકાવે છે, જેનાથી ડ્રાઇવરને નિયંત્રણ મેળવવા અને અવરોધો ટાળવા માટે પૂરતો સમય મળે છે.
માર્ગ સલામતી નિષ્ણાતો કહે છે કે, ભારતમાં માર્ગ અકસ્માતમાં 44 % મૃત્યુ ટુ-વ્હીલરથી સંબંધિત છે. તેથી, તેમની સલામતીમાં સુધારો કરવો જરૂરી છે. સરકારના આ નિર્ણયનો હેતુ ટુ-વ્હીલર્સને લગતા માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે. સરકારી માહિતી અનુસાર, 2022 માં દેશમાં થયેલા કુલ 151,997 માર્ગ અકસ્માતોમાંથી, લગભગ 20% ટુ-વ્હીલર હતા.
ઓટોમોબાઈલ જગતને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અમારા ઓટોમોબાઈલ ટોપિક પર ક્લિક કરો અને એક સાથે અનેક સમાચારો જાણો