
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર E20 પેટ્રોલ (જેમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે) ને લઈને જાતજાતના દાવાઓ અને અફવાઓ વાયરલ થઈ રહી છે. ઘણા વાહનચાલકો ચિંતિત છે કે આ નવું પેટ્રોલ તેમની ગાડીના એન્જિનને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ મૂંઝવણ દૂર કરવા માટે હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજો અને નિષ્ણાતો પોતે સામે આવ્યા છે અને તેમણે આ પેટ્રોલ પાછળનું સાચું ગણિત સમજાવ્યું છે.
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલને લઈને સત્ય કરતાં અફવાઓ વધારે ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કંપનીઓ હવે જે પણ નવી ગાડીઓ બનાવી રહી છે, તે આ E20 પેટ્રોલને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી રહી છે. તેનાથી ગાડીના એન્જિન પર કોઈ ખરાબ અસર પડતી નથી.
માઇલેજના પ્રશ્ન પર તેમણે સ્વીકાર્યું કે સામાન્ય પેટ્રોલની સરખામણીમાં E20 પેટ્રોલથી માઇલેજમાં માત્ર 03 ટકા જેટલો નજીવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેની સામે આ ઇંધણના બીજા ઘણા મોટા ફાયદા છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરના કન્ટ્રી હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ વિક્રમ ગુલાટીના જણાવ્યા મુજબ, સમય સાથે ઓટોમોબાઈલ સેક્ટરમાં નિયમો બદલાતા રહે છે. E20 એ એકદમ ક્લીન અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ છે. અત્યારે જ્યારે પર્યાવરણ સામે મોટા પડકારો છે, ત્યારે આવનારી પેઢી માટે આ ફેરફાર ખૂબ જ જરૂરી છે કારણ કે આ પેટ્રોલથી હવામાં ઝેરી કાર્બનનું ઉત્સર્જન ઘણું ઓછું થાય છે.
એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વર્તિકા શુક્લાએ જણાવ્યું કે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાનું કામ અચાનક નથી કરવામાં આવ્યું. વર્ષ 2014-15માં પેટ્રોલમાં માત્ર 01.05 ટકા ઇથેનોલ મિક્સ થતું હતું, જે વૈજ્ઞાનિક સંશોધનો અને સફળ ટ્રાયલ પછી આજે 20 ટકા સુધી પહોંચ્યું છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સરકારી ધોરણો (BI સ્ટાન્ડર્ડ) મુજબની છે.
તેમણે ઉમેર્યું કે અમેરિકા, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ ઘણા વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આનાથી પ્રદૂષણ તો ઘટશે જ, સાથે સાથે ભારત દેશને બહારથી મંગાવવામાં આવતા કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના મોટા ખર્ચમાંથી પણ રાહત મળશે.