
છેલ્લા કેટલાક સમયથી ઇથેનોલને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી અને ઘણા લોકો માનતા હતા કે તેનાથી વાહનો ખરાબ થઈ રહ્યા છે. પરંતુ હવે E20 ની સફળતા બાદ કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભરતાં E100 ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના આ નિર્ણયથી હવે દેશમાં 100% ઇથેનોલ પર ચાલતાં વાહનોના ઉત્પાદન અને વેચાણનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે.
આ જાહેરાત બાદ દેશભરના કરોડો કાર માલિકોના મનમાં પોતાનાં વર્તમાન વાહનોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે શું તેમણે પોતાની કારના એન્જિનમાં કોઈ ફેરફાર કરાવવો પડશે કે પછી પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવતી વખતે કોઈ સમસ્યા આવશે? જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય વાહનચાલકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો જાણીએ કે આ નવા નિયમથી 15 વર્ષ જૂની, 10 વર્ષ જૂની અને 2026 માં લોન્ચ થયેલી નવી ગાડીઓ પર શું અસર થશે.
ઇથેનોલ એક પ્રકારનું બાયોફ્યુઅલ છે જે શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે. અત્યારે દેશના પેટ્રોલ પંપો પર જે પેટ્રોલ મળે છે તેમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ હોય છે, જેને E20 કહેવાય છે. E85 માં 85 ટકા ઇથેનોલ હોય છે, જ્યારે E100 માં લગભગ પૂરેપૂરું (100%) ઇથેનોલ હોય છે.
જો તમારી પાસે 15 વર્ષ કે તેથી વધુ જૂની પેટ્રોલ કાર હોય તો તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. આ ગાડીઓ સંપૂર્ણપણે શુદ્ધ પેટ્રોલ પર ચાલવા માટે જ ડિઝાઇન કરવામાં આવી હતી. આવાં વાહનોના એન્જિન, ફ્યુઅલ ઇન્જેક્ટર, રબર પાઇપ અને ફ્યુઅલ ટેન્ક ઇથેનોલના મિશ્રણને સહન કરવા સક્ષમ નથી હોતા. જો આવી જૂની કારમાં ભૂલથી પણ E100 કે વધુ ઇથેનોલવાળું ઇંધણ નાખવામાં આવે, તો ફ્યુઅલ પાઇપ ઓગળી શકે છે અને એન્જિનના પાર્ટ્સને મોટું નુકસાન થઈ શકે છે.
10 વર્ષ જૂની ગાડીઓ પણ પરંપરાગત પેટ્રોલના હિસાબે જ તૈયાર કરવામાં આવી હતી. જોકે તેમના એન્જિન 15 વર્ષ જૂની કાર કરતાં થોડા વધુ રિફાઇન્ડ છે, તેમ છતાં તે માત્ર 5% થી 10% સુધીનું ઇથેનોલ મિશ્રણ જ સરળતાથી સહન કરી શકે છે. 10 વર્ષ જૂની કારમાં પણ E100 ફ્લેક્સ-ફ્યુઅલનો સીધો ઉપયોગ કરી શકાતો નથી.
જો તમે તેમાં વધુ ઇથેનોલ મિશ્રિત ઇંધણ નાખશો તો કારના માઇલેજમાં ઘટાડો થઈ શકે છે અને સમય જતાં એન્જિનમાં કાટ કે લિકેજની સમસ્યા આવી શકે છે. તેથી 10 વર્ષ જૂની કાર ચલાવનારાઓએ પણ કોઈ સત્તાવાર કિટ વગર પોતાની ગાડીમાં E100 નો ઉપયોગ કરવો જોઈએ નહીં.
વર્ષ 2026 માં કે તાજેતરના વર્ષોમાં લોન્ચ થયેલી મોટાભાગની નવી ગાડીઓ પહેલેથી જ E20 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે આવી રહી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે E20 રેડી કારો પણ સંપૂર્ણપણે E100 પર ચાલી શકતી નથી. સરકારના નવા નોટિફિકેશનનો અર્થ એવો બિલકુલ નથી કે 2026 માં ખરીદેલી સામાન્ય કારોમાં હવે E100 પુરાવવું ફરજિયાત છે અથવા તે વાહનો તેના માટે અનુકૂળ છે.
2026 ની સામાન્ય E20 કારોએ પણ તેમના નિયમિત પેટ્રોલ પર જ ચાલવું પડશે. E100 ફ્યુઅલનો ઉપયોગ ફક્ત એવા વિશેષ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થઈ શકશે, જેનું ઉત્પાદન અને પ્રમાણીકરણ ઓટોમોબાઇલ કંપનીઓ ખાસ E100 સર્ટિફિકેશન સાથે કરીને બજારમાં ઉતારશે.
નોટિફિકેશન મુજબ આ નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી અમલમાં આવી જશે. આ સુધારાનો ડ્રાફ્ટ 27 એપ્રિલ 2026 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ વિદેશથી આયાત કરે છે, જ્યારે ઇથેનોલ દેશમાં જ બને છે. ભારતે 2025 માં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું અને હવે સરકાર મોંઘી તેલ આયાતને વધુ ઘટાડવા માંગે છે.
માર્ચ 2026 સુધીમાં દેશમાં લગભગ 20 અબજ લિટર ઇથેનોલનું ઉત્પાદન થઈ રહ્યું હતું અને E100 વાહનો આવવાથી તેનો વપરાશ વધવાની પૂરી આશા છે. આનાથી દેશના ખેડૂતોને પણ સીધો આર્થિક ફાયદો મળશે, કારણ કે ઇથેનોલનું ઉત્પાદન શેરડી અને અનાજમાંથી થાય છે.