
કારના ડેશબોર્ડ પર દેખાતી લાઇટ્સ અલગ-અલગ સંકેતો આપે છે, જે ડ્રાઈવરને કારના એન્જિનને સમજવામાં મદદ કરે છે. એન્જિન, બ્રેક, બેટરી અને ટાયર સાથે જોડાયેલા સંકેતોને સમજવાથી સમયસર કાર્યવાહી કરી શકાય છે અને મોટી ખામી તથા ખર્ચથી બચી શકાય છે.
આજકાલની દરેક આધુનિક કાર પોતાની રીતે ‘વાત’ કરે છે. તે અવાજથી નહીં પરંતુ ડેશબોર્ડ પર દેખાતી લાઇટ્સ દ્વારા ડ્રાઈવરને માહિતી આપે છે. નવા ડ્રાઈવરો માટે આ ચિહ્નો શરૂઆતમાં થોડા ગૂંચવણભર્યા લાગે છે, કારણ કે તેમાં વિવિધ પ્રકારના સિમ્બોલ્સ હોય છે. પરંતુ હકીકતમાં, આ લાઇટ્સ તમારી કારનું સંચાર માધ્યમ છે, જે ક્યારેક સામાન્ય માહિતી આપે છે તો ક્યારેક તાત્કાલિક ધ્યાન આપવાની ચેતવણી આપે છે. તેથી આ સંકેતોને સમજવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે મોટી ખામી અને મોંઘા રિપેરથી બચી શકો અને સલામત રીતે ડ્રાઇવિંગ કરી શકો.
કારના ડેશબોર્ડને ટ્રાફિક સિગ્નલ જેવી રીતે સમજી શકાય છે, જેમાં મુખ્યત્વે ત્રણ રંગોની લાઇટ્સ હોય છે
લાલ લાઇટ (ગંભીર ચેતવણી): જો લાલ લાઇટ ચાલુ થાય તો તે તાત્કાલિક ધ્યાન માંગે છે. આવી સ્થિતિમાં સુરક્ષિત જગ્યાએ ગાડી ઉભી રાખીને એન્જિન બંધ કરવું જોઈએ. તેને અવગણવાથી કારને ગંભીર નુકસાન થઈ શકે છે.
પીળી/ એમ્બર લાઇટ (સાવચેતી): આ લાઇટ સૂચવે છે કે કારમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. તમે સાવચેતી સાથે ગાડી ચલાવી શકો છો, પરંતુ શક્ય તેટલી વહેલી તકે સર્વિસ સેન્ટરમાં તપાસ કરાવવી જોઈએ.
લીલી /નીળી લાઇટ (માહિતી): આ લાઇટ માત્ર એટલું બતાવે છે કે કોઈ ફીચર જેમ કે હેડલાઇટ, ઈન્ડિકેટર અથવા ક્રૂઝ કંટ્રોલ ચાલુ છે અને યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે.