
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક એથર એનર્જીએ તેના ગ્રાહકોને ઝટકો આપતા ભાવવધારાની જાહેરાત કરી છે. 1લી જાન્યુઆરી, 2026થી કંપનીના તમામ મોડેલોના ભાવમાં ₹3,000 સુધીનો વધારો કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, કાચા માલના ભાવમાં થયેલો વધારો, ડોલરના ભાવમાં ફેરફાર અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સના વધતા ખર્ચને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
ડિસેમ્બરમાં એથર સ્કૂટર ખરીદવા માંગતા ગ્રાહકો આ ભાવ વધારાને ટાળી શકે છે અને કંપનીની ચાલુ ઇલેક્ટ્રિક ડિસેમ્બર ઓફરનો લાભ લઈ શકે છે. આ ઓફર પસંદગીના શહેરોમાં ₹20,000 સુધીના લાભો પ્રદાન કરે છે, જેમાં ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ EMI ડિસ્કાઉન્ટ, રોકડ પ્રોત્સાહનો અને કેટલાક મોડેલો પર Eight70 નામની મફત 8-વર્ષની વિસ્તૃત બેટરી વોરંટીનો સમાવેશ થાય છે.
એથર હાલમાં બજારમાં બે મુખ્ય શ્રેણીઓ ઓફર કરે છે: પરફોર્મન્સ માટે જાણીતી 450 સિરીઝ અને ફેમિલી માટે ખાસ બનાવેલું રિઝ્ટા. 450 સિરીઝના સ્કૂટર્સ મલ્ટી-મોડ ટ્રેક્શન કંટ્રોલ અને મેજિકટ્વિસ્ટ (MagicTwist) જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ ઉપરાંત, તેમાં ગૂગલ મેપ્સ, વોટ્સએપ નોટિફિકેશન અને મ્યુઝિક કંટ્રોલ જેવા કનેક્ટિવિટી ફીચર્સ ડેશબોર્ડ પર જ મળી રહે છે. બીજી તરફ, રિઝટા ફેમિલી સ્કૂટરે 02 લાખથી વધુ વેચાણનો આંકડો પાર કર્યો છે. તે તેની 56 લિટરની વિશાળ સ્ટોરેજ ક્ષમતા અને ફોલ સેફ્ટી તથા સ્કિડ કંટ્રોલ જેવી સુરક્ષા સુવિધાઓ માટે લોકપ્રિય છે.
એથર એનર્જીની સ્થાપના 2013 માં તરુણ મહેતા અને સ્વપ્નિલ જૈન દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ 2018 માં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું હતું. હાલમાં, કંપની તેના બે પ્રોડક્ટ લાઇનઅપમાં કુલ નવ વેરિયન્ટ્સ ઓફર કરે છે. એથર સ્કૂટર્સ સમગ્ર ભારતમાં કંપનીના અનુભવ કેન્દ્રો તેમજ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, એથર પાસે વિશ્વભરમાં 04,322 ફાસ્ટ ચાર્જર અને નેબરહુડ ચાર્જર છે, જેમાંથી 04,282 ભારતમાં અને 40 નેપાળ અને શ્રીલંકામાં છે. કંપની 319 રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક, 212 રજિસ્ટર્ડ ડિઝાઇન અને 48 રજિસ્ટર્ડ પેટન્ટ ધરાવે છે. વધુમાં, 120 ટ્રેડમાર્ક, 108 ડિઝાઇન અને 492 પેટન્ટ માટેની અરજીઓ વિશ્વભરમાં પેન્ડિંગ છે.