
કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી હિમ વર્ષાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આપણા ગુજરાતમાં પણ આગામી થોડા જ કલાકમાં શીતલહેર ફરી વળશે. આમ પણ વાવાઝોડાની ગુજરાત પર અસર થવાની કોઇ ખાસ શકયતાઓ નથી. ત્યારે ડિસેમ્બરની શરૂઆત ગુજરાત માટે ખુબ જ ઠંડી રહી શકે છે.
દેશના પહાડી રાજ્યોમાં થયેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. આ દરમિયાન રાજસ્થાનમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, 27 નવેમ્બરથી એટલે કે આજથી ઉદયપુર, જોધપુર, અજમેરના જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. આનાથી ઠંડી વધશે.
જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી છે. પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં હિમ વર્ષા થઇ હતી અને હવે નવેમ્બરના અંતિમ દિવસોમાં ફરી એકવાર હિમ વર્ષા થઇ રહી છે. જેના કારણે તાપમાન માઇનસમાં જતુ રહયુ છે. ઉત્તરાખંડના કેદારનાથ અને આદિ કૈલાશમાં તાપમાન માઈનસ 16 ડિગ્રી પર પહોંચી ગયું છે.
બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી વધી ગઈ છે. પટના, બેતિયા, બગાહા, સમસ્તીપુર, ગોપાલગંજ, મધેપુરા, સુપૌલ, બેગુસરાય, જહાનાબાદ સહિત 10થી વધુ જિલ્લાઓમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. આગામી 24 કલાકમાં તાપમાનમાં 1-3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.મધ્ય પ્રદેશમાં રાત્રે ગરમી અને દિવસે ઠંડક વધી ગઈ છે.
રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે ઉત્તરીય પવનો નથી આવી રહ્યા, જેનાથી રાત્રિનું તાપમાન વધી ગયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે રાજ્યમાં હળવા વાદળો છવાયેલા છે. આનાથી દિવસ દરમિયાન ઠંડક વધી ગઈ છે. ગુજરાતમાંમાં હાલ ઠંડીમાં વધારો થાય તેવી કોઇ આગાહી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આગામી 72 કલાક બાદ ઠંડીમાં વધારો થઇ શકે છે. વાવાઝોડાની અસર પણ ગુજરાત પર થવાની શકયતાઓ નથી. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ખુબ જ ઠંડા રહી શકે છે.