
ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કડકડતી ઠંડી જામેલી જોવા મળી નથી. જો રે આ વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વાતાવરણમાં ફરી એક વખત બદલાવ જરુર જોવા મળશે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન આગાહી મુજબ 30 ડિસેમ્બરે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે 31 ડિસેમ્બરે કચ્છ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે વરસાદી માહોલ બાદ નવા વર્ષથી ઠંડીનો ચમકારો વધશે. આગામી બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા છે. આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને સામાન્ય નાગરિકોને ઠંડી તથા વરસાદથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આજ સમય ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમ વર્ષા થઇ શકે છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ શકયતાઓ છે. વામાન વિભાગનું માનવું છે કે 30થી લઇને પહેલી જાન્યુઆરી સુધી અનેક રાજ્યોમાં વરસાદ અને હિમ વર્ષાની શકયતાઓ છે. આ દરમિયાન જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે.
જો કે 2 જાન્યુઆરી રાજ્યમાં ઠંડી જરૂર કહેર મચાવી શકે છે.ઉત્તર ભારતમાં હિમ વર્ષાની અસર ગુજરાત પર જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં ઠંડી કહેર મચાવશે. જાન્યુઆરીની શરૂઆત જ ગુજરાત માટે ખુબ જ ઠંડી રહી શકે છે.