અમેરિકામાં ‘વિન્ટર સ્ટોર્મ ફર્ન’નો હાહાકાર: 15થી વધુ રાજ્યોમાં ઈમરજન્સી, ફ્લાઈટ્સ ઠપ્પ
અમેરિકામાં 2300 માઈલ લાંબા બરફીલા તોફાને જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ટેક્સાસથી લઈને ન્યૂયોર્ક સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, જેમાં 13,000થી વધુ ફ્લાઈટ્સ રદ થતા હજારો મુસાફરો અટવાયા છે.
અમેરિકા હાલમાં સદીના સૌથી ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ ફર્ન’ની ઝપેટમાં છે. 24 થી 26 જાન્યુઆરી, 2026 દરમિયાન ત્રાટકેલા આ હિમવાવાઝોડાએ દેશના અડધાથી વધુ ભાગને લપેટમાં લીધો છે, જેના કારણે લગભગ 24 કરોડ લોકોનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ટેક્સાસ અને ઓક્લાહોમા સહિત 15થી વધુ રાજ્યોમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે.
આર્કટિક પવનોને કારણે તાપમાનનો પારો માઈનસ 50 ડિગ્રી સુધી ગગડી ગયો છે. ખરાબ હવામાન અને ઝીરો વિઝિબિલિટીના કારણે અત્યાર સુધીમાં 13,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ પણ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 અને 26 જાન્યુઆરીની ન્યૂયોર્ક અને નેવાર્કની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. રસ્તાઓ પર બરફ જામી જવાથી વાહનવ્યવહાર જોખમી બન્યો છે અને અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા લાખો લોકો અંધકારમાં છે.
સ્થિતિની ગંભીરતાને જોતા શિકાગો સહિતના અનેક શહેરોમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગ્રોસરી સ્ટોર્સ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, કારણ કે આગામી 72 કલાક અતિ ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે FEMA અને નેશનલ ગાર્ડને એલર્ટ પર રાખ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યંત જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા તાકીદ કરવામાં આવી છે.
આ સ્ટોર્મનો વ્યાપ ઓહાયો વેલીથી લઈને ઉત્તર-પૂર્વના વિસ્તારો સુધી લગભગ 2000 માઈલ સુધી ફેલાયેલો છે. મિસીસિપી અને જ્યોર્જિયાને આ વાવાઝોડાનું કેન્દ્રબિંદુ માનવામાં આવી રહ્યું છે. ન્યૂયોર્ક, બોસ્ટન અને ન્યૂ ઈંગ્લેન્ડમાં 15 થી 20 ઈંચ જેટલી ભારે હિમવર્ષા થવાની શક્યતા છે, જ્યારે વોશિંગ્ટન અને ડલ્લાસ જેવા શહેરોમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે.