OBC અનામતઃ મા-બાપની આવક વધુ હોય તો તેમના બાળકને અનામતના લાભથી વંચિત ના રાખી શકાય, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત ના મળી
કેન્દ્ર સરકારે 11 માર્ચે જાહેર કરેલા આદેશની સ્પષ્ટતા માટે વિનંતી કરીને OBC ક્રીમી લેયર કેસ અંગે સુપ્રીમ કોર્ટ પાસેથી તાત્કાલિક રાહત માંગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રની વિનંતીને ફગાવી દીધી હતી. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી 17 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં OBC ક્રીમી લેયર કેસ અંગે ગઈકાલ મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જે દરમિયાન કેન્દ્ર સરકારે 11 માર્ચે પસાર કરાયેલા આદેશ અંગે તાત્કાલિક રાહત માંગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી 17 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર મહાદેવનની બનેલી બેન્ચે આ મામલાની સુનાવણી કરી. કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટના 11 માર્ચના આદેશમાં ફેરફાર કરવા ઉપરાંત “ક્રીમી લેયર” ની વ્યાખ્યામાં ફેરફારની માંગ કરી રહ્યું છે. જો કે, સુપ્રીમ કોર્ટે કોઈ પણ રાહત આપવાનો ઈન્કાર કરતાઆ કેસની વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે મુકરર કરવામાં આવી છે. .
સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા પોતાના ચુકાદામાં, સ્પષ્ટ કર્યું હતું કે, માતાપિતાના પગાર આવક OBC ક્રીમી લેયર નક્કી કરવા માટે એકમાત્ર માપદંડ ના હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે PSU, બેંકો અથવા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા માતાપિતાના બાળકોને ફક્ત એટલા માટે અનામતના લાભમાંથી બાકાત રાખી શકાય નહીં કે તેમના માતાપિતાનો પગાર, ચોક્કસ આવક મર્યાદા કરતાં વધુ છે. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે આવો ભેદભાવ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 16 માં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
