પાણી એક મહત્વની જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો કે આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જ્યાં પડતો હોય એવા વલસાડ જિલ્લામાં જ આજે પાણી માટેનો પોકાર ઉઠી રહ્યો છે. હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના 11 ગામોમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. કાંઠા વિસ્તારના આ 11 ગામડાઓમાં ઘર ઘર નલ યોજના હેઠળ નળ તો લગાવી દેવામાં આવ્યા છે, પણ તેમાં પાણી નથી આવતું.
આ પણ વાંચો- Gujarat Video: ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
ગ્રામજનોનું કહેવું છે કે પાણીની પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ સર્જાવાને કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના લોકોને 10-10 દિવસે પાણી મળવાને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. બીજી તરફ આ 11 ગામો દરિયાકિનારાથી નજીક હોવાથી કુવા અને બોરમાં પણ ખારા પાણી આવે છે, જેનો પીવામાં ઉપયોગ થાય તેમ નથી. આ સ્થિતિમાં પીવાલાયક પાણી ઘરના નળ સુધી પહોંચે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.
સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે અને સ્થાનિક તંત્રની સાથે તેમના દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતો કરાઈ છે, છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે નવી લાઈન નાખવામાં આવે અને પીવાના પાણીની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…