અંબાજીમાં મોહનાથાળના પ્રસાદ માટે સપ્લાય કરવામાં આવેલ ઘી નકલી હોવાના મામલે હવે અંબાજી મંદિરના વહિવટી અધિકારીઓ સામે સવાલો પેદા થયા છે. આટલી મોટી માત્રમાં ઘીનો ઉપયોગ હોવા છતાં પણ અમૂલના ઘીને બહારથી કેમ ખરીદવામાં આવી રહ્યુ હતુ. હવે બનાસકાંઠાનુ તંત્ર જ સવાલોમાં ઘેરાઈ ગયુ છે. સાબરડેરીએ કહ્યુ છે કે, અમૂલનુ ઘી મોટા મંદિરોમાં સીધુ જ ખરીદવામાં આવે છે. આ માટે વચ્ચેના કમીશનને બાદ કરીને તેનો સીધો લાભ પણ ધાર્મિક સ્થાનોને આપવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ છે કે, સસ્તુ મુકીને બહારથી કેમ અમૂલના ઘીની ખરીદી કરવામાં આવી હતી.
અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા અમુલ ઘીના મામલામાં હવે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને મંદિર પ્રશાસનના અધિકારીઓ ચોમેરથી સવાલોમાં ઘેરાયા છે. મોટી માત્રામાં ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં અમૂલ ઘીને બહારથી ખરીદવામાં આવ્યુ હતુ. હવે કેટરર્સને આરોપી બનાવીને ફરિયાદ નોંધાઈ ચુકી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે, અમૂલ ઘીની ખરીદી સીધી જ અમૂલ પાસેથી ખરીદવાના બદલે બજારમાંથી કેમ ખરીદવામાં આવી રહ્યુ હતુ. શામળાજી અને ખેડબ્રહ્મા મંદિર દ્વારા 100-100 ડબા મહિને સાબરડેરી પાસેથી ખરીદવામા આવે છે.
આ માટે મંદિર પ્રશાસનના અધિકારીઓએ કેમ કાળજી ના દાખવી. રાજ્યના અન્ય મંદિરોમાં સીધુ જ અમૂલના ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવે છે અને ઉપયોગ કરવામાં આવે છે. તો અંબાજી મંદિર પ્રશાસને કેમ બજારમાંથી જ અમૂલ ઘીને ખરીદવાની છૂટ એજન્સીને આપી હતી.
સાબરડેરીના MDએ આ અંગે Tv9 સાથે ખાસ વાતચિતમાં બતાવ્યુ હતુ કે, અમારી પાસેથી પણ અનેક ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો સીધુ ઘી ખરીદ કરે છે. તેમને અમે કમીશન બાદ કરી આપીએ છીએ આમ 5 ટકા સીધી રાહત બીલમાં આપવામાં આવે છે. આવી જ રીતે શામળાજી અને ખેડબ્રહ્મા અંબાજી મંદિર તેમજ સાંપડના મહાકાળી મંદિરને ઘી સીધુ અમૂલ દ્વારા આપવામાં આવે છે. આ સંસ્થાઓ પણ સીધુ જ સાબરડેરી પાસેથી અમૂલ ઘી ખરીદવાનો આગ્રહ રાખે છે અને 5 ટકાની સીધી રાહત મેળવે છે. MDએ આગળ પણ કહ્યુ હતુ કે, અમે આમાં પણ જો અમૂલના ઉત્પાદક કે વિક્રેતા પાસેથી સીધુ ખરીદ કરવામાં આવ્યુ હોત તો આ સમસ્યા સર્જાઈ ના શકી હોત.
Published On - 5:40 pm, Wed, 4 October 23