અમદાવાદમાં વિધર્મી દ્વારા કરાયેલ ગરબા આયોજન સામે વિશ્વ હિંદુ પરિષદનો વિરોધ

|

Oct 03, 2024 | 6:01 PM

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રી દરમિયાન ભવ્ય ગરબાનું આયોજન કરાતું હોય છે. નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સહીતના સંબધિત વિભાગ સતત સતર્ક રહેતા હોય છે. આવા સંજોગોમાં અમદાવાદમાં લોક ગાયિકા ફરિદા મીરના ભાઈ અને અન્યો દ્વારા આયોજીત ગરબા મહોત્સવનો વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આજથી નવલી નરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીમાં ગવાતા ગરબામાં વિધર્મીઓના પ્રવેશ સામે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ સહિતની સંસ્થાઓએ ભારે વિરોધ કર્યો છે. આવા સંજોગોમાં જાણીતા લોક ગાયિકા ફરિદા મીરના ભાઈ ચાંદ મીર અને અન્યો દ્વારા પણ પૂર્વ અમદાવાદમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું છે. જેનો વિશ્વ હિંદુ પરિષદે ભારે વિરોધ કર્યો છે.

કેમ વિશ્વ હિંદુ પરિષદ કરી રહ્યું છે વિરોધ ?

વિશ્વ હિંદુ પરિષદના અશોક રાવલનું કહેવું છે કે, ગરબા દરમિયાન વિધર્મીઓ બહેન દિકરીઓની છેડતી કરતા હોય છે. લવ જેહાદ જેવા કિસ્સા બનતા હોય છે. આવા ગરબાના આયોજન થકી તેઓ પૈસા કમાવવાનો ઉદ્દેશ રાખતા હોય છે. અમદાવાદ પોલીસે આવા લોકોને ગરબાના આયોજનની પરવાનગી ના આપવી જોઈએ. વિશ્વ હિંદુ પરિષદના અશોક રાવલે ચિમકી ઉચ્ચારી છે કે, જો વિધર્મી દ્વારા ગરબાનું આયોજન કરાશે તો અમે વિરોધ અને અવરોધ બંને કરીશું. જ્યા જ્યા ગરબાનું આયોજન કરાયું છે ત્યાં અમારા 20થી 25 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહેશે.

ચાંદ મીરનું શુ કહેવું છે ?

તો બીજી તરફ ગરબાનું આયોજન કરનાર ફરિદા મીરના ભા ચાંદ મીરે જણાવ્યું કે, અમારા ગરબા આયોજનમાં પટેલ, ક્ષત્રિય અને ઠાકોર પરિવાર પણ જોડાયેલ છે. આખુ ગુજરાત જાણે છે કે, ફરિદા મીર અને ચાંદ મીર 26 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છીએ. અમને ક્યારેય વિધર્મી જેવું લાગ્યુ નથી. અમારો આખો પરિવાર માતાજીમાં અતૂટ આસ્થા રાખે છે. માતાજીના ગુણગાન ગાઈએ છીએ, સ્તુતી કરીએ છીએ. ગૌ સેવાના કામમાં પણ અમારુ યોગદાન રહેલું છે. હજુ અમારા સુધી વિશ્વ હિંદુ પરિષદનો કોઈ વિરોધ કે રજૂઆત આવી નથી. કોઈ વિધ્ય સંતોષીએ મેસેજ મોકલ્યો હોઈ શકે.

Next Video