AMCએ બહાર પાડેલા 200 કરોડ રૂપિયાના બોન્ડ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, કટોરા અને 2 હજારની નક્લી નોટો સાથે પ્રદર્શન

|

Aug 07, 2022 | 8:24 AM

Congress Protest: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કટોરો અને 2 હજારની નક્લી નોટો બતાવી કોર્પોરેશન ભીખ માગવાની સ્થિતિમાં આવી ગઈ હોવાના પ્રહાર કર્યા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને બહાર પાડેલા 200 કરોડ રૂપિયાના બોન્ડને લઈને વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ.
AMCના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ (Shezad Khan Pathan)ની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કોંગ્રેસના કાર્યકરોએ સત્તાધિશોને ઘેરવાનો પ્રયાસ કર્યો. મોટી સંખ્યામાં અમદાવાદ કોંગ્રેસ (Congress)ના નેતાઓ અને કાર્યકરો AMCની ઓફિસે પહોંચ્યા હતા. તેઓ પોતાની સાથે 2 હજાર રૂપિયાની નકલી નોટો ભરેલી બેગ પણ લઈને આવ્યા હતા. આ નકલી નોટોની બેગ તેમણે મેયરને આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના નેતાઓ પોતાની સાથે કટોરો પણ લઈને આવ્યા હતા, જેમાં તેમણે ભીખ માગી હતી અને પ્રતિકાત્મક રીતે કોર્પોરેશન કંગાળ બની ગયું હોવાનો દેખાવ કર્યો હતો.

કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ છે- શહેઝાદ ખાન પઠાણ

આ દરમિયાન કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે AMCના સત્તાધિશો સામે પ્રહાર કર્યો કે ભાજપના રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કંગાળ હાલત થઈ ગઈ છે. કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રાથમિક સુવિધા માટે 350 કરોડ રૂપિયાની લોન લેવી પડે તેવી સ્થિતિ ઉદ્દભવી છે. 200 કરોડના બોન્ડ બહાર પાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે કોર્પોરેશનનું 9 હજાર કરોડનું બજેટ માત્ર મોટા-મોટા આયોજનો પાછળ જ વાપરવામાં આવે છે. પ્રાથમિક સુવિધાના નામે 500 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચુકવવાના પણ બાકી છે. જેમાં 350 કરોડ રૂપિયાની રિવરફ્રન્ટના નામે લોન લેવામાં આવી છે.

શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ કે એકતરફ ભાજપના સત્તાધિશો વિકાસ કામોના નામે મોટા મોટા વચનો આપે છે, પરંતુ જમીની હકીકત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તિજોરી જ તળિયાઝાટક થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ કટોરા અને 2 હજાર રૂપિયાની નક્લી નોટો લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેયરને આપવા પહોંચ્યા હતા. આ તકે તેમણે એવો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો કે કોર્પોરેશનને કટોરો લઈને માગવા જવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Published On - 10:56 pm, Sat, 6 August 22

Next Video