ગુજરાતી વીડિયો : બનાસકાંઠામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન, યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળ્યો
Banaskatha: બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થતા રવિ પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. કમોસમી વરસાદને પગલે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યુ છે.
બનાસકાંઠામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના કારણે રવિ પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. રાત્રે પડેલા વરસાદમાં ખેતરમાં કાપણી કરેલા પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં રાયડા, વરિયાળી, બટાટા જેવા પાકની કાપણી કરી હતી. ત્યાં અચાનક આવેલા વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરાવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને આકરી મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી નાખતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. હાલ તો કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતો તંત્ર સમક્ષ સર્વે કરી સહાય આપવાની માગ કરી રહ્યા છે.
ખેતીવાડી વિભાગે સાવચેતી રાખવા જણાવ્યું
બનાસકાંઠાના પાલનપુર પંથકમાં શનિવારે રાત્રે પણ એક ઈંચ કમોસમી વરસાદ પડ્યો. જેના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે ખેતીવાડી વિભાગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. આમ છતાં વેપારીઓની બેદરકારીના કારણે માલ ખુલ્લામાં જ રાખ્યો. જેના કારણે ઘઉં અને અન્ય અનાજનો જથ્થો પલળી ગયો હતો. પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓની બેદરકારીના કારણે નુકસાનની સંભાવના છે.
આ પણ વાંચો : રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, જગતના તાતની વધી મુશ્કેલી
બનાસકાંઠા પંથકમાં છેલ્લા 2 દિવસથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદથી શિયાળુ પાક પર અસર જોવા મળી છે. પાકમાં નુકસાન થતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.